જિલ્લામાં ગઇકાલે સાવરકુંડલા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જાવા મળ્યો હતો. તેમજ અમરેલી શહેરમાં પણ બપોર બાદ ભારે પવન સાથે ઝરમરીયો વરસાદ પડ્યો હતો. આજે પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જાવા મળ્યો હતો. જેમાં લાઠી પંથકમાં ગઇકાલથી આજે સવારે ૧૦ઃ૩૦ વાગ્યા સુધીના આંકડા મુજબ ૬૯ મી.મી. વરસાદ નોંધાયો છે. આજે રાજુલા અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડ્યો હતો. દરમિયાનમાં રાજ્યના હવામાન વિભાગે આવતી કાલ તા. ૯ જૂનથી ત્રણ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તા. ૯ થી ૧ર જૂન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ દિવસો દરમિયાન પવનની ગતિ ૩૦-૪૦ કિ.મી. પ્રતિ કલાકની રહેશે.