અમરેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં સાંસદ ભરતભાઈએ કેન્દ્ર સરકાર સંચાલિત જનકલ્યાણકારી યોજનાઓ, અભિયાનો અને વિકાસ કાર્યો અન્વયે થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. સાંસદે, જિલ્લામાં સામાજિક અને આર્થિક ઉત્કર્ષ માટે નાગરિકો માટે થયેલા વિકાસ કાર્યો માટે અભિનંદન પાઠવી હજી વધુ સારા કાર્યો કરવા માટે અનુરોધ કર્યો હતો. સાંસદે, નાગરિકોને નાના ઉદ્યોગ માટે સરળતાથી લોન મળી રહે માટે જરુરી સૂચનાઓ અને નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત રેલવે, વીજળી, જળસંચય સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે વિવિધ કચેરીઓના વડાઓ સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ભૌતિક સુવિધાઓ થકી જનસુખાકારીમાં વધારો થાય તે માટે સાંસદે સૂચન કર્યુ હતું. આ બેઠકમાં, મનરેગા, દીનદયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ સહિતના પ્રજાલક્ષી યોજનાઓ અને અભિયાનોના લક્ષ્યાંક સામે સિદ્ધિઓની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર અજય દહિયા અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્‌યાએ પણ પ્રજાકીય પ્રશ્નોના નિરાકરણ માટે જરુરી સૂચનો કર્યા હતા.