અમરેલી જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોને કમોસમી વરસાદથી આર્થિક ફટકો પડ્યો છે. અમરેલીમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ બપોરે હળવા છાંટા પડયા હતા. કમોસમી વરસાદ પડતા ઉનાળું પાકને નુકસાન થયું છે. સતત માવઠા સ્વરૂપે વરસાદ પડતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ઠેર ઠેર નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતો અને અગ્રણીઓમાં માંગણી ઉઠી છે. લાઠી તાલુકાના મતિરાળા ગામે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા. અંદાજે ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોનો મહામૂલી પાક નાશ પામ્યો છે. બગસરામાં પણ બપોરના સમયે હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. જા કે વરસાદથી તાપમાનમાં જારદાર ઘટાડો નોંધાયો છે. સાવરકુંડલા પંથકમાં પણ જારદાર વરસાદ વરસતા મેંકડા અને ફીફાદ રોડ બંધ થઈ ગયો હતો. રોડ બંધ થઈ જવાથી વાહનોની લાંબી કતારો લાગી હતી.