અમરેલી જિલ્લામાં વ્યાજખોરોના આતંકની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. અમરેલીમાં જેસીંગપરામાં રહેતા દિલીપભાઇ ભરતભાઇ સલાટ (ઉ.વ.૩૩)એ ગારીયાધારના ધણકુવા પ્લોટમાં રહેતા ઇરફાનભાઈ રજાકભાઈ કાસમાણી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેમને નાણાં ધીરધાર લાયસન્સ વગર દર મહિને રૂ.૫૦૦૦ ના વ્યાજ પેટે રૂ.૧,૨૫,૦૦૦ આપી વ્યાજની રકમ ચુકવવા સારૂ વારંવાર પઠાણી ઉઘરાણી કરતા હતા. ઉપરાંત સાહેદ ભનુભાઇને પણ દર મહિને રૂ.૬૦૦૦ વ્યાજ પેટે રૂ.૧,૧૫,૦૦૦ આપી વ્યાજના પૈસા નહી ચુકવતા આરોપીએ ગાળો આપી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપી, બળજબરી કરી, તેમની તથા સાહેદ ભનુભાઇની ભાર રીક્ષા અને આર.સી.બુક લઇ લીધા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.એચ.મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. દામનગરમાં રહેતા સંજયગીરી પ્રેમગીરી ગૌસ્વામી (ઉ.વ.૪૦)એ ઢસાના જયેશગીરી બળદેવગીરી ગૌસ્વામી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે ફરીયાદી પાસેથી રૂ.૪૬,૦૦૦ ૧૦% ના વ્યાજ દરે પઠાણી ઉઘરાણી કરી કુલ રૂ.૩૨,૨૦૦ વ્યાજ લઇ તથા સાહેદ ભરતભાઇ ઉર્ફે ચીમનભાઇ કાનજીભાઇ રાઠોડ પાસેથી રૂ.૨૦,૦૦૦ નું ૧૦% લેખે રૂ.૪૦૦૦ વ્યાજ લેતા હતા. તેમજ તેઓ એક મહિનાનું વ્યાજ નહી આપી શકતા આરોપીએ ગાલે બે-ત્રણ ઝાપટો મારી અને વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી હતી.