૧૧ જુલાઇએ વિશ્વ વસ્તી દિન છે. વસ્તી સ્થિરતા જાળવવા અને વસ્તી વધારાને અટકાવવા બાબતે જનજાગૃત્તિ લાવવા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગરુપે તા.૧૧ થી તા.૧૮ જુલાઈ દરમિયાન અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, અમરેલી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ “મા બનવાની ઉંમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” ની થીમ સાથે વિશ્વ વસ્તી દિવસ અભિયાનનો પ્રારંભ થશે. માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે જનસમુદાયમાં આ બાબતે જાગૃત્તિ લાવવાનો આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે. વધતી જતી વસ્તીને લીધે થતાં પ્રશ્નો અંગે જાણકારી આપવા તથા કોન્ટ્રાસેપ્ટિવ (ગર્ભનિરોધક) નો ઉપયોગ વધારવો, લગ્ન બાદ પ્રથમ બાળક તુરંત ન રાખવા, બે બાળકોના જન્મસમય માટે યોગ્ય સમયગાળાનું અંતર જળવાઇ રહે અને કુટુંબના સર્વાંગી વિકાસમાં નાના કુટુંબ (ઓછાં બાળકો વધુ સારો ઉછેર) સહિતની બાબતે માર્ગદર્શન અને ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ ઉજવણીમાં, કુટુંબ નિયોજનના મહત્વ વિશે જનજાગૃત્તિ લાવવા માટે સામુદાયિક બેઠક, કાર્યશાળાઓ અને પરિસંવાદો, સાસુ-વહુ સંમેલન, સ્વસહાય જૂથો સાથે બેઠક, રેલી, જૂથ બેઠક, વિવિધ શાળાઓમાં જનજાગૃત્તિ કાર્યક્રમ અને ઘરે-ઘરે મુલાકાત સહિત વિવિધ કાર્યક્રમોના આયોજન થશે.







































