મુખ્યમંત્રીનું અમરેલીના નગરશ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરાયું

અમરેલી એસ.ટી.બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાસભર બસપોર્ટના લોકાર્પણ, સ્પોટ્‌ર્સ કોમ્પલેક્સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના રુ. ૨૯૨ કરોડના ૭૭ વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું લાઠી તાલુકાના દુધાળા હેલિપેડ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. હેલિપેડ પર લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, સવજીભાઈ ધોળકીયા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા સાથે જળસંચયના કાર્યોને વેગ આપવા માટે જરુરી પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રીએ અમરેલી સ્થિત નાગનાથ મહાદેવના દર્શન કરી અને પૂજન અર્ચન કર્યુ હતું. આ વેળાએ મુખ્યમંત્રીનું અમરેલીના નગરશ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મંદિરના ટ્રસ્ટી કિશોરભાઈ મહેતાએ મુખ્યમંત્રીને અમરેલી નાગનાથ મંદિરનો ઈતિહાસ જણાવ્યો હતો. ૨૦૭ વર્ષ જૂનું આ શિવાલયનું નિર્માણ તત્કાલિન ગાયકવાડ રાજ્યના દીવાનજી દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સર્વે નગરશ્રેષ્ઠીઓનું અભિવાદન ઝીલ્યું હતું. અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલના પુનઃ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઈમારતનું આશરે રુ.૨૫ કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે. વડાપ્રધાને આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રને સાકાર કરતાં આ રાજમહેલનું નવીનીકરણ કરાશે. અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડાક્ટરો તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિર્મિત બસપોર્ટનું લોકાર્પણ કર્યુ હતું. અમરેલી ખાતે રૂ.૪૨.૪૮ કરોડના ખર્ચે નિર્મિત બસપોર્ટથી અમરેલીવાસીઓ સહિત જિલ્લાના નાગરિકોને આવાગમનની આધુનિક સુવિધા ઉપલબ્ધ થઈ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે, તેમાં વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને આપણે ઝડપભેર આગળ વધવાનું છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમરેલી જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વિકાસકાર્યો અમલમાં મૂકાવાના છે ત્યારે આ કાર્યો ગુણવત્તાસભર થાય તે માટે નાગરિકો પણ તેની દરકાર અને કાળજી રાખે તો જ આપણે વિકાસનો જે રોડમેપ નિર્ધારિત કર્યો છે તેને હાંસલ કરી શકશું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના જે મંત્રથી આગળ વધવાનો જે પથ કંડાર્યો છે તે પથ પર મક્કમતાપૂર્વક આગળ વધીને વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવાનું છે તેમ તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ સ્વાગત પ્રવચન કયું હતું. સાંસદ ભરતભાઈ સુતરીયાએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીની સહૃદયતા અને સરળતા છે કે, પ્રજાના ગમે તે કામો લઈને જઈએ તો તે આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે છે. કોઈપણ પ્રકારના રાગદ્વેષ વગરના નિર્લેપ મુખ્યમંત્રીની કાર્યશૈલીને તેમણે હૃદયથી બિરદાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા વિસ્તારના મહુવા રોડ પર રેલવે ઓવરબ્રિજનું ખાતમુર્હૂત થયું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે સાવરકુંડલા તાલુકામાં રુ.૨૭ કરોડ ૨૪ લાખના ખર્ચે નિર્મિત ૩ (ત્રણ) ૬૬ કે.વી. સબ સ્ટેશન ઉપરાંત રુ.૪૩ લાખના ખર્ચે લીલીયા ગ્રામ પંચાયતના જેટીંગ મશીનનું તકતી અનાવરણ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અમરેલી જિલ્લાના રાજુલાની મુલાકાતે પધાર્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના વરદ હસ્તે રાજુલા-જાફરાબાદ વિસ્તારનાં નાગરિકોને ૫-૫ વિકાસકામોની ભેટ મળી છે જેમાં સ્ટેજ પરથી મુખ્યમંત્રીએ વિવિધ વિકાસ કાર્યોની તકતીનું અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીનાં વરદ હસ્તે રાજુલાના મારુતિ ધામ તળાવના પુનઃવિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અમૃત ૨.૦ યોજના હેઠળ રુ. ૩૦૭ લાખના ખર્ચે આ તળાવનો કાયાકલ્પ થશે. મુખ્યમંત્રીના હસ્તે રાજુલા નગરપાલિકા વિસ્તારના લોકોને દૈનિક ધોરણે શુદ્ધ પીવાનું પાણી નિયમિતપણે મળી રહે તે વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા માટે રુ.૨૦૦૫ લાખના ખર્ચે ‘અમૃત ૨.૦ – નલ સે જલ’ યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, સાથોસાથ રાજુલા નગરપાલિકા હસ્તકના રસ્તાઓના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જેથી નાગરિકોને પરિવહનમાં વધુ સુવિધા મળશે. આ કાર્યક્રમમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રુ.૫ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન સુવિધાઓથી સજ્જ ઓડિટોરિયમની જાફરાબાદના નગરજનોને ભેટ મળી છે. સાથોસાથ જાફરાબાદ ખાતે અંદાજે રુ.૧,૬૪૮.૪૩ લાખના ખર્ચે ૫.૪૦ એમ.એલ.ડી. ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજુલા શહેરના મધ્યમાં શહીદ ચોકના લોકાર્પણ પ્રસંગે ૧૦૮ ફૂટનો રાષ્ટ્રધ્વજ સ્તંભ ઊભો કરવામાં આવ્યો છે જેની તકતીનું અનાવરણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાના ધારીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે પધાર્યા હતા. આંબરડી સફારી પાર્કમાં મુખ્યમંત્રીએ પ્રકૃતિ વચ્ચે વિહરતા સિંહોને અને આંબરડી પાર્કનો પ્રાકૃતિક વૈભવ પણ નિહાળ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લાના સુવિધા સભર અને સ્માર્ટ ગામ એવા દેવરાજીયાની મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું દેવરાજીયા ગામના ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત થયું હતું. મુખ્યમંત્રીએ દેવરાજીયા ગામના પાદરમાં આવેલ અને ગ્રામ્ય સંસ્કૃતિની ઝાંખી રજૂ કરતા ‘ખોરડું’ ની મુલાકાત કરી હતી. આ તકે મુખ્યમંત્રીએ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત રુ.૧૭ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનને ખુલ્લું મૂક્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના સુવિધા સભર આ દેવરાજીયામાં ગ્રામજનો માટે ઉપલબ્ધ સુવિધાઓથી મુખ્યમંત્રી અવગત થયા હતા. જે.વી.કાકડીયા, ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિતના મહાનુભાવો તથા પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતાં.

 

કૌશિક વેકરીયાએ વિકાસકાર્યોની ઝલક રજૂ કરી
વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસકાર્યોનો ચિતાર આપતા કહ્યુ કે, રાજ્ય સરકારને જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. વેકરીયાએ વિવિધ વિકાસકાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૭ કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, ચાંચબંદર પર રૂ.૭૫ કરોડના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા રૂ.૨૭ કરોડ, લાઠી સિવિલ હોસ્પિટલ માટે રૂ.૫૦ કરોડ, જિલ્લાકક્ષાના સ્પોટ્‌ર્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે રૂ.૧૩ કરોડ, રાજમહેલ માટે રૂ.૨૫ કરોડ, ડીવાયએસપી ઓફિસ માટે રૂ.૯ કરોડ, રૂ.૯ કરોડના ખર્ચે મોર્ડન ફાયર સ્ટેશન, બાબરા-જેસિંગપરા શાળા માટે રૂ.૩ કરોડ, ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ માટે રૂ.૫૦ કરોડ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રૂ.૨૦ કરોડ, અમરેલી શહેરના રોડ-રસ્તા માટે રૂ.૧૪૦ કરોડ, ગ્રામ્ય વિસ્તારના રોડ માટે રૂ.૧૦૦ કરોડ, અમરેલી-લીલીયા ફોરટ્રેક રોડ માટે રૂ.૨૩ કરોડ, સેન્ટર પોઈન્ટથી રાધેશ્યામ સુધીના આર.સી.સી. રોડ માટે રૂ.૧૨ કરોડ, સિવિલ હોસ્પિટલ માટે રૂ.૧.૫ કરોડના ખર્ચે રસ્તો, કુંકાવાવ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રૂ.૩૬ કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. આમાંથી અમૂક કાર્યો સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યાન્વિત થવાના છે. અમરેલી શહેરમાં આવેલ ઠેબી ડેમ વળતર ચુકવવાના અભાવે અધૂરો ભરાતો હોય જેની મુખ્યમંત્રીને રજૂઆત કરતા વળતર પણ મંજૂર થયું હોવાનું જણાવ્યું હતું સાથે જ અમરેલી શહેરમાં આધુનિક જીઆઇડીસી આપવામાં આવે તેવી માંગ પણ કૌશિકભાઈ વેકરીયાએ મુખ્યમંત્રી સમક્ષ કરી હતી.