અનેક જગ્યાએ વૃક્ષો, વીજપોલ ધરાશાયી, વાહનવ્યવહારને ભારે અસર

ઉનાળાની ઋતુ હજી સુધી પુરી થઇ નથી પરંતુ વરસાદે એન્ટ્રી મારી લીધી છે. ઉનાળાની વિદાયને હજુ ૧૫ દિવસની વાર છે, પરંતુ હાલમાં સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા હવે વરસાદી વાદળો આકાશમાં છવાઈ ગયા છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી ૭ દિવસ ભારે વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં ઠેર-ઠેર વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન ખાતામાંથી મળતી માહિતી મુજબ રાજ્યમાં હજુ આગામી દિવસોમાં વરસાદ તોફાની બેટિંગ કરશે, આગામી સાત દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. વરસાદને કારણે લોકોને બફારામાંથી રાહત મળી હતી જા કે બાગાયતી પાકને ભારે નુકસાન થયુ છે. ભારે પવનને કારણે અમરેલી-કુંકાવાવ, હામાપુર-ચલાલા, લાઠીના ચાવંડ દરવાજા પાસે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. વૃક્ષો ધરાશાયી થતા વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ભારે પવનને કારણે વીજ તંત્રને પણ ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. જાણવા મળતી મુજબ ભારે પવનને કારણે બગસરા પંકથમાં ૧રથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે તો કુંકાવાવમાં પણ ૪ જેટલા વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠાને ભારે અસર પહોંચી છે. નાના ભંડારિયા, વડેરા પાસે રપથી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા ખેતરના પાણી રોડ પર ફરી વળ્યા હતા. મેડી, સરંભડા, બાબાપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. શુક્રવારે રાતના ૮ વાગ્યા સુધીમાં અમરેલીમાં ત્રણ ઈંચ, લાઠીમાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.

કેરીના રસિકોનો સ્વાદ કડવો બન્યો
ચોમાસુ વિધિવત શરૂ થાય તે પહેલા જ અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે કેરીનો પાક બગડી રહ્યો છે. આજે થોડી ઘણી બચેલી કેરી પણ ભારે પવનને કારણે ઝાડ પરથી ખરી ગઈ હતી. ભારે પવનને કારણે ઈજારેદારોને ભારે નુકસાન જતા રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે.

અમરેલી શહેરના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ્ટ
અમરેલી, બગસરા તાલુકામાં સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. ભારે પવનના કારણે વીજળી ગૂલ થઈ ગઈ હતી. વીજળી ગૂલ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી શહેરમાં મોટાભાગના વિસ્તારમાં ૪ કલાકથી વધુ અંધારપટ્ટ છવાયો હતો. અમરેલી તાલુકાના ગામોમાં મોડી રાત સુધી વિજ પુરવઠો ચાલુ થયો ન હતો.