અમરેલી જિલ્લા અને તાલુકામાં ગઈકાલે અષાઢી બીજથી ઝરમર અને ખેતીપાકને ઉપયોગી ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. સતત ૧પ દિવસથી અને છેલ્લાં બે દિવસથી તો મેઘરાજા અમરેલી જિલ્લા માથે મહેરબાન થયા છે. આજે મેઘરાજાએ ફરી પધરામણી કરી હતી. આજ સવારથી અમરેલી તેમજ અન્ય તાલુકાઓમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અમુક રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. અમરેલી તેમજ અન્ય તાલુકાઓમાં ઝરમર વરસી રહેલા વરસાદને કારણે ખેતીપાકને પણ ફાયદો થઈ રહ્યો છે. અમરેલી જિલ્લામાં મગફળી અને કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યુ છે. અમરેલી જિલ્લામાં છેલ્લાં ૧પ દિવસથી મેઘરાજા કયાંક ધીમીધારે તો કયાંક જારદાર રીતે વરસી રહ્યાં છે. અમરેલી શહેરમાં વરસાદને કારણે ઠેર-ઠેર પાણીના ખાબોચીયા ભરાયા છે. અમુક વિસ્તારોમાં પાણીનો ભરાવો થતો હોવાથી વિસ્તારવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. તંત્રની બેદરકારીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળવાની પણ શકયતા સેવાઈ રહી છે. જા કે હજુ જિલ્લાના અમુક તાલુકાઓમાં વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસે તેવુ ખેડૂતો ઈચ્છી રહ્યાં છે.
આજરોજ ખાંભામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લાઠીમાં ૧ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.