કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં ચોમાસું વરસાદથી થયેલ પાક નુકસાનનો સર્વે કરી વળતર આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં ચોમાસું વરસાદ પડવાના લીધે ખેડૂતોને પોતાના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ખેડૂતોએ મોંઘા બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરીને રાત ઉજાગરા કરીને પોતાના ખેતરમાં પાકને ઉછેરીને અને માવજત કરીને લણણીલાયક બનાવીને તૈયાર થયો ત્યારે અચાનક જ વરસાદ પડતા ખેડૂતોનું વર્ષ નિષ્ફળ ગયું છે. ખેડૂતોને આ નુકસાનીમાંથી બેઠા કરવા માટે સરકારમાંથી તત્કાલ સર્વે કરવા માટે તથા નુકસાનીનું દિવાળી પહેલા યોગ્ય વળતર આપવા વિનંતી છે.