અમરેલી જિલ્લામાં વીજ પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૭૦.૬૨ કરોડના ખર્ચે મીડિયમ વોલ્ટેજ કવર્ડ કન્ડક્ટર એટલે કે MVCC કેબલ લગાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના વરદહસ્તે દેવરાજીયા મુકામેથી આ પ્રોજેક્ટનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમરેલી જિલ્લાના કુલ ૪૫ ફીડરોને આવરી લેવામાં આવશે, જેમાં અંદાજે ૯૪૫ કિલોમીટરની લંબાઈમાં આ ખાસ પ્રકારના સુરક્ષિત કેબલ બિછાવવામાં આવશે. આ કામગીરીના પ્રારંભિક ભાગરૂપે દેવરાજીયા ફીડર પર ૧૮ કિલોમીટર લાંબો કેબલ અંદાજે રૂ. ૧.૪૧ કરોડના ખર્ચે નાખવામાં આવશે. આ પ્રસંગે રાજયમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી જિલ્લાના વીજ ગ્રાહકોને અપાતા વીજ પુરવઠાની ગુણવત્તામાં વ્યાપક સુધારો જોવા મળશે. સ્ફઝ્રઝ્ર ટેકનોલોજીના ઉપયોગથી પવન, અતિવૃષ્ટિ કે વૃક્ષોની ડાળીઓ પડવાને કારણે થતા વીજ ટ્રિપિંગના બનાવોમાં મોટો ઘટાડો થશે, જેના પરિણામે તમામ ઋતુઓમાં સાતત્યપૂર્ણ અને વિક્ષેપ રહિત વીજળી મળી રહેશે. આ ટેકનોલોજીનો બીજો મોટો ફાયદો એ છે કે તેનાથી લાઇન લોસમાં ઘટાડો થશે અને વીજ ચોરી જેવી સમસ્યાઓ પર પણ અંકુશ મેળવી શકાશે. ખાસ કરીને અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો એવા રાજુલા અને જાફરાબાદ તાલુકામાં ખારાશવાળા વાતાવરણને કારણે વીજ લાઈનોમાં કાટ લાગવાની ગંભીર સમસ્યા રહેતી હોય છે, જેમાંથી હવે કાયમી મુક્તિ મળશે. હાલમાં આ યોજનામાં જ્યોતિગ્રામ યોજના હેઠળ આવતા ગામો અને અન્ય ગ્રામીણ વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. રાજ્ય સરકાર શહેરી અને ગ્રામીણ એમ બંને વિસ્તારોમાં સમાન અને ગુણવત્તાયુક્ત ઊર્જા પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના સભ્ય મહિડા, ઁય્ફઝ્રન્ના ડેપ્યુટી એન્જિનિયર દહિયા સહિત વીજ કંપનીના અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ અને દેવરાજીયાના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










































