ભારતીય રિઝર્વ બેન્કે નાણાકિય વહીવટમાં સરળતા રહે તે માટે વર્ષોથી રૂ.૧૦ના સિકકા બહાર પાડયા છે પરંતુ અમરેલી સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં રૂ.૧૦ના સિકકા સ્વીકારવા કોઈ તૈયાર નથી. ગ્રાહકો પાસેથી વેપારીઓ રૂ.૧૦ના સિક્કા લેતા નથી તો વેપારીઓ પાસેથી અમુક બેન્ક લેતી નથી. જેથી અમરેલી જિલ્લામાં રૂ.૧૦ના સિકકાનો શા માટે નાણાકિય લેવડ-દેવડમાં ઉપયોગ કરવામાં આવતો નથી તે સવાલ દરેક લોકોના મનમાં ઉદ્‌ભવી રહ્યો છે. અમુક વેપારીઓ અને ગ્રાહકો તો રૂ.પાંચની નોટ પણ સ્વીકારતા નથી ત્યારે ભારતીય ચલણનો અસ્વીકાર કરવાવાળા પર શા માટે કાર્યવાહી કરવામાં આવતી નથી? અમરેલી શહેર અને જિલ્લામાં આજે પણ લોકો કે વેપારીઓ રૂ.૧૦ના સિક્કા સ્વીકારતા નથી. રૂ.૧૦ના સિક્કા નહી સ્વીકારવા પાછળ કોઈ કારણ પણ જાણવા મળ્યું નથી.રિઝર્વ બેન્ક દ્વારા જ આ ચલણ બહાર પાડવામાં આવ્યુ છે પરંતુ આ ચલણ સ્વીકારવાનો ઈન્કાર કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે. રૂ.૧૦ના સિકકા લોકો અને વેપારીઓની સાથે બેન્ક પણ સ્વીકારતી ન હોવાથી આવા બેન્કના સત્તાધીશો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જારશોરથી માંગણી ઉઠવા પામી છે. અમરેલી જિલ્લામાં કોઈપણ ગ્રાહક દુકાને જાય અને માલની ખરીદી કરે અને ગ્રાહક માલના બદલામાં રૂ.૧૦નો સિક્કો આપે તો વેપારી રૂ.૧૦નો સિક્કો લેવાની સ્પષ્ટ ના પાડી દે છે અને જા વેપારી વધતા પૈસા પાછા આપે અને તેમાં રૂ.૧૦નો સિક્કો હોય તો ગ્રાહક રૂ.૧૦નો સિક્કો લેવાની ના પાડી દે છે. રિઝર્વ બેન્ક દ્વારા રૂ.૧૦નો સિક્કો ઘણા વર્ષોથી ચલણમાં લેવામાં આવ્યો છે. પરંતુ અમરેલી જિલ્લા સહિત અનેક જિલ્લાઓમાં રૂ.૧૦ના સિક્કાની ચલણમાં માન્યતા જ મળેલી ન હોય તેવું લાગી રહ્યુ છે.

રૂ.પ-ની નોટ પણ ધીમે ધીમે ગાયબ
રાષ્ટ્રીય ચલણમાં ઉલટી ગંગા જાવા મળી રહી છે. જેમાં રૂ.૧૦નો સિક્કો કોઈ લેતુ નથી મતલબ કે રૂ.૧૦ની નોટ લેવામાં ગ્રાહક અને વેપારી આગ્રહ રાખે છે તો રૂ.પાંચની નોટ લેવામાં ધીમે-ધીમે ગ્રાહકો અને વેપારીઓ ઈન્કાર કરી રહ્યાં છે જેમાં રૂ.પાંચની નોટના બદલે રૂ.પાંચના સિક્કાનું ચલણ લેવડ-દેવડમાં વધુ ઉપયોગ થાય છે. આમ, રૂ.૧૦નો સિક્કો અને રૂ.પાંચની નોટ ધીમે-ધીમે ગાયબ થઈ રહી છે.

રૂ.૧૦ના સિક્કા માટે જાગૃતતાની જરૂર
અમરેલી જિલ્લામાં જે રીતે સરકારી યોજનાઓ માટે જાગૃત કરવામાં આવે છે તેવી જ રીતે રૂ.૧૦ના સિક્કા અંગે લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવા માટે
જાગૃતિ અભિયાન શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. લોકોમાં જાગૃતતાનો અભાવ હોવાથી રૂ.૧૦ના સિક્કા બજારમાં ચાલતા નથી. જા આ ચલણ અંગે લોકોમાં જાગૃતતા નહી આવે તો માત્ર અફવાને કારણે અન્ય ચલણ પણ સ્વીકારવાનું બંધ થઈ જશે.

બેન્કો પોતાના સ્વાર્થ માટે રૂ.૧૦ના સિક્કા સ્વીકારતી નથી
અમરેલી જિલ્લામાં રૂ.૧૦ના સિક્કા વેપારીઓ સ્વીકારતા નથી તો વેપારીઓ પાસેથી અમુક બેન્કો પણ સ્વીકારતી નથી. આ અંગે જાણવા મળતી માહિતી મુજબ રૂ.૧૦ના સિક્કા બેન્કમાં જમા કરાવતી વખતે બેન્ક કર્મચારીઓને ગણવામાં તફલીફ પડે છે જયારે નોટો મશીનમાં ફટાફટ ગણાઈ જાય છે. આમ, બેન્ક કર્મચારીઓ પોતાના સ્વાર્થ માટે રૂ.૧૦ના સિક્કા સ્વીકારતી ન હોવાનું ખાનગી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અફવાને કારણે રૂ.૧૦નો સિક્કા કોઈ લેતું નથી
છેલ્લાં ઘણા વર્ષોથી એવી અફવા માત્ર ગુજરાતમાં જ ફેલાયેલી છે કે રૂ.૧૦નો સિક્કો બંધ થઈ ગયો હોવાથી તેનો ઉપયોગ થતો નથી પરંતુ આ માત્ર અફવા છે. દેશના અન્ય રાજયોમાં રૂ.૧૦નો સિક્કો બેરોકટોક ચાલી રહ્યો છે અને બહુ સહેલાઈથી ગ્રાહકો અને વેપારીઓની સાથે બેન્ક પણ નાણાકિય લેવડ-દેવડમાં રૂ.૧૦ના સિક્કાનો ઉપયોગ કરી રહ્યા છે.

ભારતીય ચલણનો અસ્વીકાર કરવો ગુનો
જાણવા મળતી માહિતી મુજબ રૂ.૧૦ના સિક્કાનો અસ્વીકાર કરવો એ ગુનો બને છે. પરંતુ આમ છતાં કાયદાનો ઉલાળિયો કરીને લોકો અને વેપારીઓ રૂ.૧૦ના સિક્કા સ્વીકારતા નથી. દેશના નાગરિકો જ ભારતીય ચલણનો અસ્વીકાર કરતા હોય ત્યારે આગામી સમયમાં પરિસ્થિતિ કેવી ઉભી થશે તે એક સવાલ છે.

રૂ.૧૦ના સિક્કા બાબતે અમરેલી જિલ્લાની વેપારી સંસ્થાઓ આગળ આવે
રૂ.૧૦ના સિક્કા છેલ્લાં ઘણા વર્ષોથી અમરેલી જિલ્લામાં ચલણ તરીકે ઉપયોગમાં લેવાતા નથી. ગ્રાહકો અને વેપારીઓ રૂ.૧૦ના સિક્કાની લેવડ-દેવડ જ કરતા નથી. રૂ.૧૦ના સિક્કા માટે અમરેલી જિલ્લાની વેપારી સંસ્થાઓ આગળ આવે
આભાર – નિહારીકા રવિયા અને બેન્કના સત્તાધીશો સાથે પણ ચર્ચા-વિચારણા કરી રૂ.૧૦ના સિક્કા બેન્કો બેરોકટોક સ્વીકારે તેવી કામગીરી કરવાની જરૂર છે.

અન્ય રાજયોમાં રૂ.૧૦ના સિક્કા વાપરી નાખવા પડે છે
અમરેલીમાં રહેતા જગદીશભાઈ ઝીંઝુવાડીયા જણાવે છે કે ગુજરાતના અનેક જિલ્લામાં રૂ.૧૦ના સિક્કાનો ઉપયોગ થતો નથી. થોડા મહિના પહેલા મુંબઈ ગયો હતો ત્યાં રૂ.૧૦ના સિક્કાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી મારી પાસે ૧૪ જેટલા રૂ.૧૦ના સિક્કા ભેગા થયા હતા પરંતુ અમરેલી જિલ્લામાં રૂ.૧૦ના સિક્કા કોઈ લેતું ન હોવાથી રૂ.૧૦ના સિક્કા મુંબઈમાં જ વાપરી નાખવા પડયા હતા.