રાજ્યમાં ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોષણ માસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો. અમરેલી જિલ્લામાં સપ્ટેમ્બર માસની તા.૦૧ થી તા.૩૦ દરમિયાન પોષણ માસની ઉજવણી અંતર્ગત જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમોમાં એનિમિયા, ગ્રોથ મોનીટરીંગ, પૂરક આહાર, “પોષણ ભી પઢાઈ ભી” સહિતના વિષયોને આવરી લેવાશે, જે સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા ટેકનોલોજી અને સર્વગ્રાહી પોષણ થીમ પર જાગૃત્તિ કાર્યક્રમો યોજાશે. ‘રાષ્ટ્રીય પોષણ માસ‘ની ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભે અમરેલી જિલ્લામાં કરવાની થતી કામગીરી અને આયોજન અર્થે અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા પંચાયત ખાતે બેઠક યોજાઇ હતી. ‘રાષ્ટ્રીય પોષણ માસ‘ની ઉજવણી અન્વયે થયેલ કામગીરી અને આયોજન અંગેની વિગતો જિલ્લા વિકાસ અધિકારીએ મેળવી તેની સમીક્ષા કરી હતી. આગામી તા.૩૦ સુધી હાથ ધરવાની પ્રવૃત્તિઓ અને તેના આયોજનની સમીક્ષા કરી હતી. આ સમગ્ર માસ દરમિયાન ખરા અર્થમાં થીમ આધારિત પ્રવૃત્તિ થકી સરકારના ઉદ્દેશ્યને ચરિતાર્થ કરવા માટે આયોજનબદ્ધ કાર્યક્રમો થાય, ખાસ કરીને પોષણને લગતી તમામ પ્રવૃત્તિ જિલ્લાના દરેક આંગણવાડી કેન્દ્ર પર થાય, તે વિગતોની જાળવણી થાય તે રીતે તેને સાચવવામાં આવે.ડીડીઓએ વધુમાં સૂચન કર્યુ કે, આરોગ્ય વિભાગના સહયોગ અને સંકલનથી, આગામી તા. ૧૪ સપ્ટેમ્બર,૨૦૨૪ના રોજ જિલ્લાના તમામ સબ સેન્ટર પર સાર્વત્રિક એનિમિયા ટેસ્ટ કાર્યક્રમ કરવામાં આવે.