વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે અમરેલી જિલ્લા પંચાયતના ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલીની રેડક્રોસ સોસાયટી ખાતે યોજાયેલા આ કેમ્પમાં ફાર્માસિસ્ટ કર્મયોગીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. જોશી, જિલ્લા આરસીએચઓ ડા. સાલવી અને જિલ્લા ક્વોલિટી મેડિકલ ઓફિસર ડા. ઝાટે ફાર્માસિસ્ટોને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા સર્વેલન્સ ઓફિસર ડા. સિંઘની ઉપસ્થિતિમાં કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, ફાર્માસિસ્ટો દરેક દર્દીને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓ રિયલ ટાઈમ, રિયલ પર્સન અને રિયલ મેડિસિન મળી રહે તે માટે સંકલ્પબદ્ધ થયા હતા. કાર્યક્રમમાં જીએમએસસીએલ વેરહાઉસ અમરેલીના મેનેજર મનીષભાઈ કુબાવત અને સ્ટાફ, અર્બન હેલ્થ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટો તેમજ ગુજરાત સ્ટેટ ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રતિનિધિ અમિતભાઈ ટાંક ઉપસ્થિત રહ્યા હતા. અમરેલી પંચાયત ફાર્માસિસ્ટ એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ ડોડિયા, ઉપપ્રમુખ પ્રતિક સેજપાલ અને મંત્રી જતીન લશ્કરી તથા કારોબારી સભ્યોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.