અમરેલી જિલ્લામાં મોડી રાતથી વહેલી સવાર સુધી ધીમી ધારે વરસાદ પડ્‌યો છે, જેના કારણે
શેત્રુંજી અને સાતલડી નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આ નદીઓમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમરેલી અને સાવરકુંડલા વચ્ચેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેનો લાભ આસપાસના ખેડૂતોને તેમના ખેતરો માટે મળશે. બાબાપુર ગામ નજીક સાતલડી નદીમાં પણ પૂર આવ્યું છે. હાલ રાજુલા, સાવરકુંડલા, વડીયા, કુંકાવાવ અને અમરેલી સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. છેલ્લા ત્રણ દિવસથી ખેડૂતો જુદા જુદા વિસ્તારોમાં કપાસ સહિતના પાકોની વાવણી કરી રહ્યા છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે, જેનાથી નદીઓમાં પાણીની આવક વધશે અને આસપાસના ચેકડેમ તથા તળાવો ભરાઈ જશે.
સારા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.