અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ મુજબ, જિલ્લામાં દુકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ જેવી કોઈપણ જગ્યા ભાડે આપતા સમયે, માલિકે ભાડુઆત પાસેથી જરૂરી આધાર-પુરાવા મેળવી સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરવી ફરજિયાત છે. માલિકે નિયત નમૂના મુજબનું ફોર્મ ભરી તમામ જરૂરી વિગતો પૂરી પાડવાની રહેશે. આ જાહેરનામું તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ સુધી અમલી રહેશે. હુકમનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨ હેઠળ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ફરજ પરના હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના પોલીસ અધિકારીઓને ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.