અમરેલી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઇ કુંજડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખીને અમરેલી જિલ્લામાં માવઠાથી ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય ચુકવવા રજૂઆત કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં માવઠાથી કપાસ, મગફળી, તુવેર, ડુંગળી, સોયાબીન, તલ, મગ, અડદ સહિતના કઠોળ વગેરે પાકો ઉપરાંત બાગાયતી પાકોને પણ ભારે નુકસાન થયેલ છે. જેથી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળી રહે તે માટે જિલ્લામાં તાત્કાલિક સર્વે કરાવી સહાય પેકેજ જાહેર કરવા માગણી છે. આ ઉપરાંત માલધારીઓને પણ માલઢોરનો ઘાસચારો/નિરણ પણ બચેલ ન હોવાથી સર્વે કરી તેમને પણ સહાય ચુકવવી જોઇએ. તેમણે આ પત્રની નકલ કૃષિ મંત્રી, કૌશિકભાઇ વેકરીયા ઊર્જા મંત્રી, જે.વી. કાકડીયા, ધારાસભ્ય ધારી-બગસરા અને જિલ્લા કલેકટરને મોકલી છે.









































