અમરેલી જિલ્લામાં આજરોજ બકરી ઈદની મુસ્લિમ સમુદાય દ્વારા હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાજ અદા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થયા હતા અને ઈદની સામૂહિક નમાજ અદા કરી હતી. જ્યારે ખાસ ઇદગાહ ખાતે મૌલાના દ્વારા નમાજ પઢાવવામાં આવી હતી. ઈદની નમાજમાં મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. બકરી ઈદના તહેવાર નિમિત્તે હાજર રહેલા હિન્દુ આગેવાનો અને મુસ્લિમ અગ્રણીઓએ એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. ઈદના તહેવારને લઈને મુસ્લિમ સમાજમાં ખુશીની લહેર જોવા મળી હતી. તમામ મસ્જિદોમાં પણ નમાજ અદા કરવામાં આવી હતી, આ સાથે એકબીજાને ઈદની મુબારકબાદી આપી અને નમાજ પઢીને ઈદની ઉજવણી કરવામાં આવી હતી.આ ઈદ-ઉલ-અજહાને બકરી ઈદ અને કુરબાનીની ઈદ પણ કહેવામાં આવે છે. આ ઈદનો તહેવાર અમરેલી શહેર જિલ્લામાં સોમવારે ઉજવવામાં આવ્યો હતો. આ પવિત્ર દિવસે મુસ્લિમ બિરાદરો વહેલી સવારે ઉઠીને સ્નાન કરી નવા કપડા પહેરી ઈદગાહે તેમજ શહેર, જિલ્લાની તમામ મÂસ્જદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી નમાજ બાદ એકબીજાને ગળે લગાડી ઈદની મુબારકબાદી પાઠવી હતી. તેમજ કબ્રસ્તાનમાં જઈ પોતાના મરહૂમ સગા સંબંધીઓની કબર ઉપર ફુલ ચડાવી ફાતેહા પઢી ખાસ દુઆઓ કરવામાં આવી હતી. પોતાના ઘરમાં ખીર-ખુરમા સહિતના મિષ્ટાન બનાવી એકબીજાના ઘરે મોકલી આપ-લે કરી હતી. ગરીબ, મોહતાજ, યતીમ, મીસ્કીન તેમજ વિધવાઓને આર્થિક મદદ કરાશે. તેમજ આ ઈદ પૂર્વે ઘણા મુસ્લિમ બિરાદરો નફલ રોઝા રાખે છે અને નફલ નમાજો પઢે છે અને ઇબાદતો પણ કરે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કુરબાનીની ઈદને ઈસ્લામના મહાન પેગમ્બર હજરત ઇબ્રાહીમ અલેહીસલ્લામ અને તેમના વ્હાલા પુત્ર હઝરત ઇસ્માઇલ અલેહીસલ્લામની યાદમાં આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. વિશ્વભરના મુસ્લિમ બિરાદરો સાઉદી અરબમાં આવેલ મક્કા શરીફ અને મદીના શરીફમાં હજ યાત્રાએ પણ જાય છે.