આ વર્ષે મોંઘવારીએ માઝા મૂકી છે. દિવાળીનો તહેવાર નજીક આવતાની સાથે અમરેલી શહેર સહિત જિલ્લાના અનેક શહેરોમાં ફટાકડાના વિવિધ સ્ટોલ ખુલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની પ૦૦ કરતા વધારે વેરાઈટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં વધારો થતા ફટાકડાના ભાવમાં ૩૦થી ૩પ ટકાનો વધારો નોંધાયો છે. બજારમાં રૂ.પ થી લઈ રૂ.પ૦૦૦ સુધીના ફટાકડા વેચાઈ રહ્યા છે. ફટાકડાનું ઉત્પાદન કરતા વેપારી જણાવી રહ્યાં છે કે, ફટાકડા બનાવવા માટે રોમટીરિયલ્સની જરૂર પડે છે. ફટાકડામાં વપરાતા કેમિકલના ભાવમાં ૩૦ ટકાનો વધારો થયો છે. કાગળના ભાવમાં ૩પ ટકા જેટલો વધારો થયો છે. જા કે આ વર્ષે મોંઘવારીએ માઝા મૂકી હોવાથી ફટાકડા બનાવતા કારીગરોને જે રૂ.રપ૦ મજૂરી આપવી પડતી હતી તેના બદલે હવે રૂ.૩પ૦ જેટલી મજૂરી ચુકવવી પડે છે. આમ, ઉત્પાદન માટે જરૂરી તમામ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. જેના કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં ૩૦થી ૩પ ટકા જેટલો વધારો જાવા મળી રહ્યો છે. ગત વર્ષે કોરોના મહામારીને કારણે ફટાકડાનું વેચાણ ખુબ જ ઓછુ થયું હતું. પરંતુ આ વર્ષે સરકારે છૂટછાટ સાથે દિપાવલી પર્વની મંજૂરી આપતા ફટાકડાનું વેચાણ વધવાની શકયતા દેખાઈ રહી છે. પરંતુ ફટાકડામાં ભાવ વધારો નોંધાતા જાઈએ તેવું ફટાકડાનું વેચાણ દેખાતુ નથી. આવતીકાલે દિપાવલીનું પર્વ હોય ત્યારે ફટાકડાની ખરીદીમાં વધારો થશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યાં છે. આ વર્ષે અવાજ ન થાય તેવી અનેક ફટાકડાની વેરાઈટી બજારમાં જાવા મળી રહી છે. બાળકો માટે આ પ્રકારના ફટાકડાની માંગ વધવા પામી છે. ફટાકડામાં મરચી બોમ્બની આ વર્ષે ભારે ઘટ જાવા મળી રહી છે. મરચી બોમ્બની માંગ ખુબ જ વધારે હોય છે તો એક મરચી બોમ્બનું પેકેટ આ વર્ષે રૂ.૭૦થી ૮૦માં વેચાઈ રહ્યું છે.