અમરેલી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી વિવિધ લોકો સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. અમરેલીને અડીને આવેલા જૂનાગઢ, ભાવનગર અને જામનગરમાં હાલ ચાઈલ્ડ પોર્નોગ્રાફીની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ સંદર્ભે તપાસ કરવા ગયેલી સીબીઆઈની ટીમ પર ઓરિસ્સામાં હુમલો કરવામાં આવ્યો હતો. ૧૪મી નવેમ્બરે આ અંગે બે ડઝન જેટલી એફઆઈઆર નોંધાઈ હતી અને ૮૦થી વધારે લોકો સામે ઓનલાઇન ચાઇલ્ડ એબ્યુઝની ફરિયાદ થઈ છે. આ સંદર્ભે પોલીસે લેપટોપ, મોબાઇલ જેવા ઉપકરણો પણ જપ્ત કર્યા છે. ૫૦ ગ્રુપમાં રહેલા તમામ લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો વેપાર કરતા હતા. એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં બાળકોની વિરુદ્ધ સાયબર ક્રાઈમ ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૦માં ૪૦૦ ટકાથી વધુ વધ્યા છે. એમાંથી મોટા ભાગના મામલા યૌન કાર્યોમાં બાળકોને દેખાડવાની સામગ્રીનું પ્રકાશન અને પ્રસારણ સાથે જોડાયેલા છે. અમરેલી જિલ્લામાં પણ ઘણા લોકો ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરી રહ્યા છે, ત્યારે તે લોકોના તાર આવી ટોળકી સાથે જોડાયેલા છે કે નહીં તે અંગે તપાસ થયા બાદ જ ખબર પડી શકે તેમ છે.