ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભરઉનાળે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. જ્યારે હવામાન વિભાગે હજુ ૪ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે કમોસમી વરસાદ, કરા પડવા અને ૬૦-૮૦ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી હતી, ત્યારે કમોસમી વરસાદના કારણે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના કેરી, ટેટી સહિતના પાકને ભારે નુકસાન થવાથી ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.
અમરેલી જિલ્લાના યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પલળી જતાં ખેડૂતો-વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઉનાળાની ઋતુમાં માવઠું થતાં ખેતી અને બાગાયતી પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અમરેલી જિલ્લામાં ખૂબ જ કમોસમી વરસાદ થયો છે જેના કારણે ખેતી પાકને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. વરસાદના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્‌યો છે.
અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં અચાનક પડેલા કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. પવન સાથે જોરદાર કરા અને વરસાદ પડતા આંબા પરથી કેરીના ફળો નીચે પડી ગયા છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈજારાદારે જણાવ્યું કે તેઓ ધારી વિસ્તારમાં દીતલા ગામમાં આંબાનો ઇજારો રાખે છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષથી ધારી, સાવરકુંડલા અને ખાંભાના ગ્રામીણ વિસ્તારોમાં ઇજારો રાખતા આવ્યા છે. આ વખતે અમરેલી જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ અને પવનની સાથે આંબા પર રહેલી કેરીઓ નીચે પડી ગઈ છે, જેના કારણે તેમને ભારે નુકસાન થવાનું છે. ૧૫ વીઘાના બગીચામાં ત્રણ લાખથી વધુનું નુકસાન થયું છે. ચાલુ સિઝનમાં ફ્‌લાવરિંગ સરસ આવ્યું હતું, પરંતુ ઇજારો લેવાની સાથે જ ફ્‌લાવરિંગ ખરવા લાગ્યું હતું, જેના કારણે ઇજારાદારને ભારે નુકસાન થયું છે. ત્યારબાદ કમોસમી વરસાદ પડ્‌યો, જેના કારણે આંબા પર રહેલી કેરી ખરી પડી છે અને હવે આંબા પર રહેલી કેરીમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ આવશે, જેથી કેરીને મોટું નુકસાન થશે. અમરેલી જિલ્લામાં આંબાના બગીચા લહેરાઈ ગયા છે, જેમાં આ વખતે અસામાન્ય વરસાદ વિધ્નરૂપ સાબિત થયો છે. હવે કેરી ખાવાના રસિકોને કેરી માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે. આ સાથે, ખેડૂતો અને ઇજારાદારોને લાખો રૂપિયાની નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કેરીનું ફ્‌લાવરિંગ ખરી પડતાં મોટું નુકસાન થયું અને પછી અસામાન્ય વરસાદના કારણે ૫૦% જેટલો પાક જ બચ્યો છે. હાલ, આંબા પર ૨% થી ૫% સુધીનો જ પાક છે, જેના કારણે ખેડૂતો અને ઇજારાદારોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે. ખાસ કરીને સાવરકુંડલા, ખાંભા, ધારી પંથકમાં કેરીના બગીચા વધુ છે જો કે કમોસમી વરસાદને કારણે ઈજારાદારની સાથે ખેડૂતોની આર્થિક કમર પણ કમોસમી વરસાદે તોડી નાખી છે.

ભારે વરસાદને કારણે ખેતરો પાણી-પાણી
અમરેલી જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. ખેડૂત ખેતરમાં જઈ શકતો નથી. હવામાન ખાતા તરફથી હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે.

સર્વે કરી તાત્કાલિક સહાય ચુકવવા ખેડૂતોએ માંગ કરી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે. બાગાયતી પાકની સાથે ડુંગળી, ઘાસચારો સહિતના પાકને ભારે નુકસાન થયુ છે. ખેડૂતોની ડુંગળી ખેતરમાં લણેલી હોવાથી માથે વરસાદ પડતા ડુંગળીમાં ભારે નુકસાન ગયુ છે. ખેડૂતોને પાકમાં ભારે નુકસાન ગયું હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

બાગાયતી પાકની સાથે ડુંગળી, ઘાસચારા સહિતના પાકને ભારે નુકસાન