જિલ્લામાં મોટાભાગનાં વિસ્તારોમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવતાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને વીજળીનાં ભયાનક કડાકાઓ શરૂ થયા હતા. ભારે વરસાદના કારણે નદીઓમાં પુર આવ્યા હતા. બપોર બાદ બાબરા તાલુકાના નડાળા, રાણપર, થોરખાણ, ઈસાપર, ઘુઘરાળા, ત્રંબોડા વગેરે ગામમાં ધોધમાર ત્રણથી ચાર ઇંચ વરસાદ પડતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. સાવરકુંડલામાં સતત ૧ કલાક સુધી થયેલા વીજળીના કડાકા એટલા ભયાનક હતા કે લોકો ભયભીત થયા હતા. આંબરડી નજીક આવેલ બાગોયા ગામે બચુભાઈ દરબારની માલિકીની ભેંસ ઉપર વીજળી પડતાં મોત થયું હતું અને વીજળી પડવાથી કેટલાય ઉપકરણો બળીને ખાખ થયા હતા. બીજી તરફ આંબરડી-અભરામપરા વચ્ચે વરસાદનાં લીધે એક તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. બગસરામાં કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં ૧ ઈંચ જેવો ધોધમાર વરસાદ પડી ગયો હતો. અમરેલી શહેરમાં ભારે બફારા બાદ સાંજે ૧ા ઈંચ જેવો વરસાદ પડયો હતો. કુંકાવાવ-વડીયામાં ૧ ઈંચ વરસાદનાં કારણે જીથુડી, લુણીધાર, દેવગામ, કોલડા, જંગર જેવા ગામોમાં મગફળી, સોયાબીન, ડુંગળી જેવા પાકોમાં નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખાંભામાં બપોર બાદ ૧ ઈંચ જેવો વરસાદ પડયો હતો. આ સતત પડી રહેલા વરસાદ અને પવનથી સોયાબીન, ડુંગળી, કપાસ અને મગફળીનાં ખેતીપાકને નુકસાન થવા પામ્યું છે. જેનાં પગલે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે.