અમરેલી જિલ્લામાં સિંહો બાદ દીપડાની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે અને રેવન્યુ ખેતીવાડી વિસ્તારમાં દીપડાની અવરજવર પણ સતત વધી રહી છે. જેના કારણે ભયનો માહોલ છવાયો છે. ત્યારે લીલીયાના બવાડી ગામના સીમ વિસ્તારમાં આવેલા રેવન્યુ વિસ્તારમાં એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. આ ઘટના બાદ મહિલાને સારવાર માટે ગારીયાધાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઈ લીલીયા રેન્જ વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે અને મહિલાના પરિવારની પૂછપરછ કરી દીપડાએ હુમલો કેવી રીતે કર્યો તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. ધારીના જળજીવડી ગામમાં બે દિવસ પહેલા એક યુવક અને એક મહિલા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાયો હતો, જોકે અહીં વનવિભાગ દ્વારા તાત્કાલિક દીપડાને પાંજરે પુરી દેવામાં સફળતા મળી હતી. આમ સમગ્ર અમરેલી જિલ્લામાં દીપડાની અવરજવર અને વસવાટ વધતા વનવિભાગ અને સ્થાનિક લોકો ચિંતાતુર જોવા મળી રહ્યા છે.