અમરેલી જિલ્લામાં પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ ૫૯૭ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.પ્રથમ દરોડામાં, બાબરા ટાઉન ગ્રાઉન્ડ ચોક પાસેથી બાબરાના રહેવાસી ધર્મેન્દ્રભાઇ મનુભાઇ બસીયાને ભારતીય બનાવટના ઈંગ્લિશ દારૂના ૩૩૬ નંગ ચપટા (ક્વાર્ટર) સાથે ઝડપી લેવાયો હતો. તદુપરાંત, તેની પાસેથી અન્ય ૧૪૪ નંગ ચપટા પણ મળી આવ્યા હતા. પોલીસે મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. ૨,૪૯,૦૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.બીજા દરોડામાં, લીલીયાની અંટાળીયા ચોકડી પાસે જાહેર રોડ પરથી વીરડી ગામના મુન્નાભાઇ ધીરૂભાઇ વાઘેલા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૧૧૫ બોટલ મળી આવી હતી. પોલીસે મોબાઈલ અને દારૂની બોટલો મળી કુલ રૂ. ૧૫,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.ત્રીજા દરોડામાં, ચિતલ ગામેથી અજયભાઇ સુરેશભાઇ વાળા તથા મેહુલભાઇ દિનેશભાઇ વાળા પાસેથી વિદેશી દારૂની બે બોટલ, ત્રણ મોબાઈલ ફોન અને બાઈક મળી કુલ રૂ. ૪૫,૧૬૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.આ ઉપરાંત, જિલ્લામાં અન્ય પાંચ વ્યક્તિઓ પાસેથી ૩૨ લીટર પીવાનો દેશી દારૂ મળી આવ્યો હતો, જ્યારે પાસ-પરમિટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા ૧૧ લોકોની પણ અટકાયત કરવામાં આવી હતી.








































