અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ગગડતાં જનજીવન ઠુઠવાયું છે. જિલ્લામાં દિવસે અને રાત્રે ઠંડીએ પોતાનું જોર દેખાડતા લોકોને ફરજિયાત ગરમ વસ્ત્રોમાં રહેવાની ફરજ પડી છે. હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં અમરેલી જિલ્લા સહિત કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે જેને કારણે તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. લોકોને નાછૂટકે ગરમ કપડાં પહેરીને રોજિંદા કામકાજ કરવાની ફરજ પડી રહી છે. જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ ગરમ કપડાંની ખરીદીમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ કપડાની સાથે રૂમ હીટરની પણ ખરીદી કરી રહ્યા છે.