સાવરકુંડલામાં આજ બપોર બાદ જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્‌યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ૮મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી ૨૪ કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અમરેલી જિલ્લામાં પણ આકરી ગરમી પડી રહી છે. આજે સાવરકુંડલાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાળી, ભમોદ્રા સહિતનાં ગામડાંમાં વરસાદ વરસ્યો હતો. ક્યાંક વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. ગરમીની વચ્ચે જ વરસાદ વરસતાં લોકોએ રાહત અનુભવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. જિલ્લાના અનેક શહેરોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ.