વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમરેલી જિલ્લામાં ૭૦૫ કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ૩૫ કરોડના ખર્ચે નિર્મિત ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ૨૦ કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના ૧૦૦૦ કામોનું ખાતમુહૂર્ત અને ૫૯૦ કામોનું લોકાર્પણ પણ કરશે. તેઓ ૨૮૦૦ કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી આૅફ ઇન્ડિયાના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
વધુમાં ૧૦૯૪ કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે. તેઓ પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-૨ના કામોના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના ૧૨૯૮ ગામો અને ૩૬ શહેરોના લગભગ ૬૭ લાખ લાભાર્થીઓને વધારાનું ૨૮ કરોડ લીટર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. જ્યારે ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની સ્કીમો હેઠળ જિલ્લાના મહુવા, તળાજા અને પાલીતાણા તાલુકાના ૯૫ ગામોને આવરી લેવામાં આવ્યા છે, જેની વસ્તી લગભગ ૨.૭૫ લાખ લોકોની છે. જેમાં અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ભારત માતા સરોવરના ઉદ્ઘાટનની સાથે કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી મોદી સોમવારે ગુજરાતના પ્રવાસે હોય ત્યારે બપોર બાદ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામે ભારતમાતા સરોવરનું ઉદ્ઘાટન કરશે તેમજ જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા વહીવટી તંત્રની સાથે પોલીસ તંત્રમાં દોડધામ જાવા મળી રહી છે. જિલ્લા પોલીસ દ્વારા પ્રધાનમંત્રીના આગમનથી લઈને જે જે સ્થળે જવાના છે તે તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. પ્રધાનમંત્રીની સુરક્ષામાં રેન્જ આઈજી સહિત ૮ એસ.પી., ૧૮ ડીવાયએસપી, ૪૦ પીઆઈ, ૧૦૦ પીએસઆઈ અને ર૦૦૦ જેટલા પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. આમ, પ્રધાનમંત્રીના આગમનને લઈ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.