અમરેલી જિલ્લામાં જંત્રીનો ભાવ વધારો બંધ રાખવા બાબતે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ કલેક્ટરને પત્ર લખી રજૂઆત કરી છે. પત્રમાં જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત સરકાર દ્વારા જંત્રીના નવા દર આવી રહ્યા છે તેમાં નાના મકાન ધારકોને અસહ્ય ભાવ વધારાનો માર પડી શકે તેમ છે. આમ પણ અમરેલી જિલ્લામાં કોઈ ઉદ્યોગ કે મોટી ફેક્ટરી નથી અને ખેતીપ્રધાન જિલ્લો છે. અત્યારે સમગ્ર જિલ્લામાં મંદીનો માહોલ છે ત્યારે જંત્રીમાં વધારો મરણતોલ ફટકો સાબિત થશે તેવું લાગી રહ્યું છે. અત્યારે જે રોડ વિકસતો નથી ત્યાં વીઘો જમીન પાંચથી સાત લાખ રૂપિયાની કિંમતે મળે છે. ત્યાં જંત્રીના નવા ભાવ પ્રમાણે ૩૫ થી ૪૦ લાખ થાય તેમ છે, માટે દસ્તાવેજ પણ થતા નથી અને તેવા એરિયામાં લે-વેચ પણ થતી નથી. આથી સરકારને સ્ટેમ્પ ડયુટીની આવક પણ થતી નથી. માટે દરેક એરિયા મુજબ ઝોન પાડીને સર્વે કરીને અલગ અલગ એરિયા મુજબ જંત્રીની કિંમત નક્કી કરવી જરૂરી છે. સરકારે ૨૦૨૩માં જંત્રીની કિંમત વધારેલ છે તે પણ વધારે છે હાલમાં સરકારના નવા જંત્રીના દરથી જંત્રીમાં અસહ્ય વધારો થાય તેમ હોવાથી મકાન બાંધકામ ઉદ્યોગ ઠપ્પ થઈ જશે. આ પત્રની નકલ સ્થાનિક ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયાને પણ મોકલી છે.