હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર દરમિયાન માવઠાની આગાહી કરવામા આવી છે. ત્યારે અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા પણ ખેડૂતોને પાક સંબંધિત કાળજી રાખવા માટે અપીલ કરવામા આવી છે. અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે આગામી ૩૦ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી અમરેલી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ અને માવઠા એટલે કે કમોસમી વરસાદની આગાહી બાદ ગઈકાલ રાતથી જિલ્લાના અનેક સ્થળોએ ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ માવઠાને કારણે અમરેલી જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. જિલ્લાના ખેડૂતોએ પોતાના ખેતરોમાં શિયાળુ પાકનું ભરપૂર વાવેતર કર્યુ છે. આ વર્ષે ભારે વરસાદને કારણે બોર અને કૂવામાં પણ પુષ્કળ પાણી છે જેથી શિયાળુ પાક સારો લઈ શકાશે તેવી ખેડૂતો આશા સેવી રહ્યાં હતા પરંતુ આ મહિનામાં બીજી વાર અરબી સમુદ્રમાં લો પ્રેશર થવાને કારણે ગુજરાતના અમરેલી સહિત અન્ય જિલ્લાઓમાં મધ્યમ કે હળવો વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખેડૂતો છેલ્લાં બે વર્ષથી કુદરતી આફતો સહન કરી રહ્યાં છે જેમાં આ વર્ષે તો તૌકતે વાવાઝોડાએ ખેડૂતોને પડયા પર પાટુ માર્યુ હતું. ખેડૂતો આ આફતમાંથી હજુ બહાર આવ્યા છે ત્યાં ફરી કમોસમી વરસાદને કારણે ખેડૂતો ભારે ચિંતિત બન્યા છે. અમરેલી જિલ્લામાં માવઠાને કારણે શિયાળુ પાકમાં ભારે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

આજે અમરેલી જિલ્લા કેટલો વરસાદ પડયો
અમરેલી – ૩ મીમી
ખાંભા – રપ મીમી
જાફરાબાદમાં – પ મીમી
બગસરા – ર મીમી
લીલીયા – ૧ મીમી
સાવરકુંડલા – ૬ મીમી

કમોસમી વરસાદથી જાફરાબાદ બંદરે કરોડો રૂપિયાની નુકસાની
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની સાથે મચ્છીના વ્યવસાય સાથે સંકળાયેલા માછીમારોને પણ ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. જાફરાબાદના નવાબંદર, રાજપરા, શિયાળબેટમાં મચ્છીનો પુષ્કળ વેપાર થતો હોય ત્યારે કમોસમી વરસાદને કારણે સુકવવામાં આવેલી મચ્છી બગડી જાય છે જેથી મચ્છીને ફેંકવા સિવાય માછીમારો પાસે કોઈ રસ્તો નથી ત્યારે ફરી માછીમારો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

જિલ્લામાં ૧,૧૧,૪૭૭ હેકટરના રવીપાકને અસર
અમરેલી જિલ્લામાં કુલ ૧,૧૧,૪૭૭ હેકટરમાં રવીપાકનું વાવેતર કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતા આ વર્ષે રવીપાકના વાવતેરમાં ર૦ હજાર કરતા વધારે હેકટરથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ઘઉ, ચણા, જીરૂ, લસણ, ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. કમોસમી વરસાદને કારણે રવીપાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જેના લીધે ખેડૂતોને પડયા પર પાટુ જેવો તાલ સર્જાયો છે.

શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી મોટાભાગના વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું ટાળ્યુ હતું. વરસાદની સાથે ઠંડો પવન ફૂંકાતો હોવાથી લોકોએ બિનજરૂરી બહાર જવાને બદલે ઘરમાં રહેવાનું પસંદ કર્યુ હતું. જેમાં વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું માંડી વાળતા શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાવા મળતી હતી.

પવનના સુસવાટાથી લોકો ધ્રુજી ઉઠયા
અમરેલી જિલ્લામાં ગઈકાલ રાતથી અનેક તાલુકામાં કમોસમી વરસાદ પડવાનું શરૂ થઈ ગયું હતું. વરસાદ પડતાની સાથે જ જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. વહેલી સવારથી પવનના સુસવાટા શરુ થતા લોકો ધ્રુજી ઉઠયા હતા. કમોસમી વરસાદને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

મચ્છરજન્ય રોગચાળો વધુ વકરવાની શક્યતા
અમરેલી જિલ્લામાં બે દિવસથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક સ્થળોએ પાણીના ખાબોચીયા ભરાયા છે. જિલ્લામાં ડેન્ગ્યૂ, ચીકનગુનીયાએ માથુ ઉંચકયું છે. આ રોગચાળો હજુ પુરી રીતે કાબૂમાં આવ્યો નથી ત્યાં ફરી કમોસમી વરસાદ વરસતા મચ્છરજન્ય રોગચાળો વધુ વકરવાની શકયતા સેવાઈ રહી છે. કમોસમી વરસાદે આરોગ્ય તંત્રની પણ ઉંઘ ઉડાડી છે.

લોકોને ફરી રેઈનકોટ બહાર કાઢવાની ફરજ પડી
ચોમાસાની વિધિવત વિદાયને એક માસ કરતા વધારે સમય થઈ ગયો હોવાથી લોકોએ રેઈનકોટ, છત્રી સહિત વરસાદથી રક્ષણ આપે તેવી તમામ
ચીજવસ્તુઓ મૂકી દીધી હતી પરંતુ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહીને લઈ અમરેલી જિલ્લામાં સતત ધીમી ધારે વરસાદ પડતો હોવાથી લોકોએ મૂકી દીધેલા રેઈનકોટ, છત્રી બહાર કાઢવાની ફરજ પડી હતી.

કમોસમી વરસાદને કારણે લગ્નનો આનંદ ઓસર્યો
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને પગલે ગઈ રાતથી સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે લગ્નની મોજ બગડી હતી. અમુક ગામોમાં તો વરઘોડો કાઢયા વગર જ જાન માંડવે પહોંચી હતી. જેથી નાચગાન કરવાના શોખીન જાનૈયાઓને નિરાશા સાંપડી હતી. આમ, કમોસમી વરસાદે લગ્નનો આનંદ નિરાશામાં ફેરવી નાખ્યો હતો.