અમરેલી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ૮૪ ઉમેદવારોએ સરપંચ તરીકેના ફોર્મ પરત ખેંચ્યા હતા જ્યારે સભ્ય તરીકે ૭૮ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. જ્યારે પેટાચૂંટણી અંતર્ગત સરપંચ તરીકે ૮ ઉમેદવારોએ અને સભ્ય તરીકે છ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. અમરેલી જિલ્લાની ૧૧૪ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૨૮ ગ્રામ પંચાયત સંપૂર્ણ બિનહરીફ થઈ છે જ્યારે ૩૯ સરપંચો અને ૪૦૬ સભ્યો બિનહરીફ જાહેર થયા છે. જ્યારે પેટાચૂંટણી અંતર્ગત ૬ સરપંચો બિનહરીફ જાહેર થયા છે. પ્રશાસન દ્વારા ગ્રામ પંચાયતને સમરસ કરવાના ભરપૂર પ્રયાસો કરવા છતાં ૭પ% જેવી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ જામશે.