અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખનીજ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે. ડમ્પર ચાલકો પોલીસને અંધારામાં રાખી બેફામ રેતી ચોરી કરતા હોવાથી પોલીસે આવા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. જેથી પોલીસની આવી કામગીરીથી ગેરકાયદે રેતી ખનન કરતા ઈસમોમાં ડર ફેલાયો છે. અમરેલી જિલ્લામાં આવેલી શેત્રુંજી નદીમાંથી બેફામ રેતી ચોરી થતી હોવાથી આ બાબતે અનેકવાર સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર કામગીરી કરવામાં ન આવતા ચોરી કરવાવાળા ઇસમોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેવું લાગી રહ્યું હતું. જેથી આ બાબતે જિલ્લા પોલીસ વડા સંજય ખરાત દ્વારા રેતી ચોરો પર કડકાઇથી કામ લેવા માટે સૂચના આપતા ગેરકાયદે રેતી ચોરી કરતા ઈસમો સામે અમરેલી એલસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં એલસીબી પોલીસે ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર અને ચાર ટ્રેક્ટર મળી કુલ આઠ વાહનોને જપ્ત કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.