હાલમાં ઉનાળાની ઋતુએ આક્રમક મિજાજ ધારણ કરતા અમરેલી શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થયો છે. સૂર્યનારાયણના પ્રખર તાપને કારણે લોકો આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. ખાસ કરીને બપોરે ૧ થી ૪ વાગ્યા દરમિયાન ગરમીનું પ્રમાણ એટલું વધારે હોય છે કે હંમેશા ટ્રાફિકથી ધમધમતી બજારોમાં જાણે કરફ્યુ લાગ્યો હોય તેવો સન્નાટો જોવા મળે છે.શાકભાજીના નાના વેપારીઓ અને પાથરણાં વાળાઓ પણ આકરી લૂથી બચવા બપોરના સમયે ધંધો સમેટી લે છે. ગરમીની અસર હવે ચૂંટણી પ્રચાર પર પણ જોવા મળી રહી છે; આકરા તાપને કારણે ઉમેદવારો માટે દિવસના સમયે સભાઓમાં ભીડ એકઠી કરવી મુશ્કેલ બને તેવી પરીસ્થિતિ છે. બીજી તરફ, ગરમીથી રાહત મેળવવા લોકો શેરડીનો રસ, આઈસ્ક્રીમ અને ઠંડા પીણાં તરફ વળ્યા છે, જેના કારણે બજારોમાં ઠંડા પીણાંની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે.તબીબોએ આ સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને શ્વાસ કે બી.પી.ની તકલીફ ધરાવતા દર્દીઓને ખાસ સાવચેતી રાખવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ આપી છે. પશુ-પક્ષીઓ પણ આ આકરા તાપમાં વૃક્ષોના છાંયડે આશરો લેતા જોવા મળી રહ્યા છે.