અમરેલી શહેરમાં સાંજના સમયે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા હતા તો ભારે પવનને કારણે વીજળી ખોરવાઈ ગઈ હતી. બાબાપુર, જાળીયા સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ પડ્યો હતો. જયારે વહેલી સવારથી રાજુલા શહેરમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખાંભા તાલુકાના ખડાધાર, બોરાળા અને ગીદરડી સહિતના ગામોમાં પણ વરસાદી ઝાપટાં પડ્‌યા છે. સાવરકુંડલા તાલુકાના વિજપડી, ગાધકડા, જીંજુડા અને જાબાળ, બગોયા, બાઢડા જેવા વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. લીલીયા શહેર અને આસપાસના વિસ્તારમાં તો ધોધમાર વરસાદને કારણે નાવલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે લીલીયાના ભેસાણમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે. રાજુલા તાલુકાના માંડરવડી, ધારેશ્વર, વડલીમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેથી ઘાસચારાને નુકસાન ગયુ છે. રાજુલા શહેરમાં વરસાદી માહોલ વચ્ચે બીડી કામદાર વિસ્તારમાં વીજ વાયર તૂટી પડતાં એક આખલાનું મોત નિપજ્યું છે. બાબરા, કોટડાપીઠામાં પણ સાંજના સમયે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ અને ખેતીવાડી વિભાગે ખેડૂતોને પોતાનો માલસામાન લાવતી વખતે તાડપત્રીનો ઉપયોગ કરવા અને સલામત જગ્યાએ રાખવાની સૂચના આપી છે. લાઠી શહેરમાં વૈશાખ મહિનામાં અષાઢ મહિના જેવો કમોસમી વરસાદ સાથે પવનના સુસવાટા અને બરફના કરા સાથ તોફાની વરસાદ પડ્યો હતો. મતીરાળા અને આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડયો હતો. બગસરામાં ભારે પવનને કારણે વૃક્ષો ધરાશયી થયા હતા.ક્રિકેટ બોક્ષના ડોમને ભારે નુકસાન થયુ હતુ. આ વરસાદના કારણે ઉનાળુ પાકમાં ઘણું નુકસાન થતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. ચલાલામાં સાંજના સમયે અચાનક જ ભારે પવન ફૂંકાવાની શરૂઆત થયા બાદ ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. વરસાદને કારણે કેરી સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

ભારે પવનને કારણે ૧૪ વીજ ફીડર બંધ
અમરેલી શહેરમાં સાંજના ૪ વાગ્યાની આસપાસ વાવાઝોડુ ફુકાયુ હતુ. ભારે પવનને કારણે જેજીવાયના ૧૪ અને અર્બનના ૪ ફીડર બંધ થઈ ગયા હતા. ફીડર બંધ થઈ ગયા હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવા પામી હતી. જા કે સાવચેતીના ભાગરૂપે બાબરા અને ચિત્તલના વીજ ફીડર પણ બંધ કરવામાં આવ્યા હતા.

પીજીવીસીએલના કર્મચારીઓ ખડેપગે
અમરેલી જિલ્લામાં ભારે પવન ફુંકાયો હતો. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસતા વરસાદમાં વીજ કર્મચારીઓ ટીમ ખડેપગે હાજર રહી છે. અમરેલી શહેરમાં બે કલાક વીજળી ગુલ થયા બાદ ફરીથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો.વીજ કર્મચારીઓની આ કામગીરીને લોકોએ વખાણી હતી.

લાઠીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો…….
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે માઝા મુકી છે. વરસાદને કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે. અમરેલી જીલ્લામાં સૌથી વધુ લાઠીમાં વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં પડેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો સાંજના ૬ વાગ્યા સુધીમાં લાઠીમાં સૌથી વધુ ૬પ મીમી વરસાદ પડ્યો હતો.
અમરેલી ૪૮ મીમી
લાઠી ૬પ મીમી
બાબરા ૩૮ મીમી
લીલીયા ૪૯ મીમી
સા.કુંડલા ૩૮ મીમી
રાજુલા ૪ મીમી
ખાંભા પ મીમી
બગસરા ૭ મીમી