ખેતીમાં રસાયણોના વધતા જતા ઉપયોગને કારણે જમીન તેની ફળદ્રુપ શક્તિ ગુમવી રહી છે. જેના કારણે પાકનું ઉત્પાદન ઘટી રહ્યું છે ત્યારે આનો સૌથી મોટો ફટકો ખેડૂતોને ભોગવવો પડી રહ્યો છે. ખેડૂતોને આ સમસ્યાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે કેન્દ્ર સરકારે પરંપરાગત કૃષિ વિકાસ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત ખેડૂતોને જૈવિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ આપવાની પણ જોગવાઈ છે, જેથી સજીવ ખેતી કરીને જમીનની તંદુરસ્તી અને પાકનું સારું ઉત્પાદન મેળવી શકાય. ઉપરોક્ત યોજનાનાં સુચારું અમલીકરણ કરવા માટે ખેતીવાડી ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા નિમણૂક પામેલા સર્વિસ ઓર્ગેનિક સેજ પ્રાઈવેટ લિમિટેડ-અમરેલી દ્વારા અમરેલી જિલ્લાના અમરેલી, બાબરા, ખાંભા, જાફરાબાદ, લીલીયા, કુંકાવાવ, ધારી અને સાવરકુંડલા તાલુકામાં વિવિધ ગામોમાં યોજના અન્વયે ખેડૂત મિટિંગ અને તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેકટીકલ દ્વારા જીવામૃત કેવી રીતે બનાવવું તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.