અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે માટીકામ કરીને ગુજરાન ચલાવતા લોકોની પણ હાલત કફોડી કરી દીધી છે. ધારી તાલુકાના ચલાલા પંથકમાં માટીમાંથી ઈંટો, માટલાં અને અન્ય વસ્તુઓ બનાવીને વેચતા પરિવારોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત વરસાદના કારણે તેમનો તૈયાર માલ પલળી ગયો છે અને કાચી માટી પણ ખરાબ થઈ ગઈ છે. જેના લીધે તેમનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદની સંભાવના હોવાથી આ પરિવારોની ચિંતામાં વધારો થયો છે. માટીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા આ લોકોનું કહેવું છે કે કમોસમી વરસાદ તેમના માટે આકાશમાંથી વીજળી પડવા સમાન સાબિત થયો છે. ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરીને સરકાર દ્વારા સહાય આપવામાં આવે તેવી જ રીતે માટીકામ કરતા લોકોને થયેલા નુકસાનનો સર્વે કરાવીને યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગણી તેઓ કરી રહ્યા છે.