અમરેલી જિલ્લાના પ્રભારી સચિવ સંદીપ કુમારે જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન અને ઓપરેશન સિંદૂરના પગલે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોના બચાવ માટેની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જિલ્લા પંચાયત ભવન ખાતે યોજાયેલી બેઠકમાં તેમણે પીવાના પાણી, હીટવેવ અને પ્રિ-મોન્સૂન કામગીરીની પણ સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ મેળવ્યો હતો અને પીવાના પાણીની ઉપલબ્ધતા તથા ગુણવત્તાની ચકાસણી કરવા સૂચના આપી હતી. તેમણે હીટવેવમાં નાગરિકો અને પશુઓની સંભાળ લેવા અંગે પણ નિર્દેશો આપ્યા હતા. ઇન્ચાર્જ કલેકટર પરિમલ પંડ્‌યાએ રસ્તા અને વીજ પુરવઠો પૂર્વવત થયો હોવાની માહિતી આપી હતી અને પ્રિ-મોન્સૂન તૈયારીઓ વિશે પણ જણાવ્યું હતું. સંદીપ કુમારે દરિયાઈ સુરક્ષા અને ઓપરેશન સિંદૂરના કારણે ઉત્પન થયેલી સ્થિતિમાં નાગરિકો, પશુઓ અને બાળકોના બચાવ માટેની માર્ગદર્શિકાથી લોકોને વાકેફ કરવા જણાવ્યું હતું. તેમણે સાચી માહિતી લોકો સુધી પહોંચાડવા અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો જાળવવા પણ સૂચનાઓ આપી હતી.