ગઈકાલે રાત્રે અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની માઠી બેસાડી દીધી છે. જોરદાર પવન ફૂંકાતાં ખેતીના પાકને ભારે નુકસાન થયું છે. ગઈકાલે હવામાન વિભાગની આગાહી મુજબ જ અમરેલીમાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્‌યો હતો. જેના કારણે ખેડૂતોને મોટો ફટકો પડ્‌યો છે. સાવરકુંડલા તાલુકાના ખેડૂતોએ પોતાની વેદના વર્ણવતા કહ્યું કે, તલના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. તલનો પાક તૈયાર થઈ ગયો છે, ક્યાંક ઉભડા થયા છે તો ક્યાંક પાટણના પાથરાઓ કરવામાં આવ્યા છે. આ તલનો તમામ પાક પલળી ગયો છે જેથી હવે ખેડૂતોના હાથમાં કંઈ આવશે નહીં. રાત્રે વરસાદ હતો એટલે ખેડૂતો પાસે તલનો પાક બચાવવા માટેનો પણ કોઈ સમય ન રહ્યો અને સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં વીજળી પણ નહતી.

ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી કરી રહ્યા છે
સાવરકુંડલા પંથકમાં રાત્રે બે ઇંચ જેટલો વરસાદ પડ્‌યો હતો. જોરદાર પવન ફૂંકાતા ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. ખેડૂતો સરકાર પાસે વળતરની માંગણી પણ કરી રહ્યા છે. હાલ ખેતી પાકમાં જુવાર, તલ, મગ જેવા પાક ઊભા છે. જુવાર પણ જ્યાં જુઓ ત્યાં ઢળી પડેલી છે અને સાવરકુંડલા પંથકમાં અનેક પ્રજાપતિ કુંભારે કાચી ઇંટો તૈયાર કરેલી હતી જે વરસાદથી તમામ ઈંટો પલળી ગઈ છે. ઈંટ પકવતા કુંભાર પણ આ કાચી ઈંટોને બચાવી શક્યા નહીં અને પારાવાર નુકસાન થયું છે.