રાજ્યભરમાં ઓપરેશન શીલ્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂર બાદ નાગરિકોને જાગૃત અને સચેત કરવાનો છે. આ તકેદારીના ભાગરૂપે, અમરેલી જિલ્લામાં આજરોજ શનિવારે રાત્રે ૮ થી ૮.૩૦ વાગ્યા (૩૦ મિનિટ) સુધી બ્લેકઆઉટ એક્સરસાઇઝ યોજાશે. આ મોક બ્લેકઆઉટ એક્સરસાઇઝ અમરેલી જિલ્લાના તમામ તાલુકા મથકો, નગરપાલિકાઓ અને ગામોના વિસ્તારોમાં યોજાશે. જિલ્લા કલેકટર અજય દહિયાએ નાગરિકોને સ્વયંભૂ પોતાના ઘર, વ્યવસાયના સ્થળો અને જાહેર જગ્યાઓ પર લાઇટ બંધ રાખવા વિનંતી કરી છે. તેમજ, અતિ આવશ્યક ન હોય તો માર્ગો પર વાહનો સાથે નીકળવાનું ટાળવા અને અંધારપટ જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. નાગરિકોએ આ અંગે ગભરાવાની કે અફવાઓને ધ્યાને લેવાની નથી, કારણ કે ઓપરેશન શીલ્ડનો હેતુ માત્ર નાગરિકોને જ્ઞાત કરવાનો છે. હોસ્પિટલ-દવાખાનાઓ અને આવશ્યક સેવાઓ સહિતની ઇમરજન્સી સેવાઓ આ સમયે પણ યથાવત રહેશે. જિલ્લાના તમામ ડેમ અને સાયરન ધરાવતા સ્થળોએ રાત્રે ૮ વાગ્યે સાયરન વાગશે, જે સાંભળીને નાગરિકોએ લાઇટ બંધ કરવાની રહેશે. રાજુલા ખાતે કોસ્ટગાર્ડ સાઇટ પર મોકડ્રીલ યોજાશે.