અમરેલી જિલ્લામાં આવતી કાલ તા. ૪-ડિસેમ્બરના રોજ મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વેક્સિનનો બીજા ડોઝ ન લીધો હોય તેવા ૮૦ હજાર લોકો પૈકી ૪૦ હજાર લોકોને વેક્સિન આપવાનું તાલુકાવાઇઝ આયોજન છે.
જિલ્લામાં ૧૮ થી વધુ વયના લાભાર્થીઓને વેક્સિનનો પહેલો અને બીજા ડોઝ આપવાના વેક્સિનેશનના કાર્યક્રમમાં ૧૦૦% કામગીરી સિદ્ધ થાય તે માટે અમરેલી જિલ્લામાં તા. ૪-ડિસે.ના રોજ હર ઘર દસ્તક અભિયાન અન્વયે મેગા વેક્સિન ડ્રાઇવ રાખવામાં આવી છે. આ મેગા ડ્રાઇવમાં લોકલ સ્વૈચ્છિક સંસ્થાઓ, ધર્મગુરૂઓ, ગ્રામ્ય આગેવાનોનો સહકાર મેળવવામાં આવશે. તેમજ ૩પ૦ જેટલી સેશન સાઇટ બનાવવામાં આવી છે. જિલ્લામાં સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓને ધ્યાને લઇ આ મેગા ડ્રાઇવમાં વધુમાં વધુ લોકો વેક્સિનેટ થાય તે માટે લોકો પોતાની નજીકના વેક્સિન બુથ પર જઇ વેક્સિન લે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલની યાદીમાં જણાવાયું છે.