સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લાની તમામ કોર્ટમાં આગામી તા. ૯ માર્ચને શનિવારના રોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલીના પ્રિન્સીપાલ એન્ડ ડીસ્ટ્રીકટ જજ એમ.જે.પરાશરના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક અદાલતમાં રાજયના કોઈપણ જિલ્લા, તાલુકા, ટ્રિબ્યુનલ કે હાઈકોર્ટમાં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરતને લગતા કેસ, જમીન સંપાદનને લગતા કેસ સમાધાન માટે મૂકી શકાય છે. આ અવસરનો લાભ લેવા નજીકની તાલુકા કે જિલ્લા કે હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવો અથવા ટોલ ફ્રી નંબર ૧પ૧૦૦ ઉપર સંપર્ક કરવો અથવા રાજય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઈટનો સંપર્ક કરવો.