અમરેલી જિલ્લામાં પણ અવિરત મેઘકૃપા થઈ રહી છે. સમગ્ર જિલ્લાભરમાં લગભગ એક મહિનાથી દરેક પંથકમાં સારો એવો વરસાદ પડયો છે. જિલ્લાના દરેક શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં સુપડાધાર વરસાદ વરસી રહ્યો છે. રોજેરોજ વરસાદ વરસવાથી જિલ્લાના દરેક વિસ્તારો જળબંબાકાર છે. જેમાંથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જાવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે જેનાથી ખેતરમાં કામકાજ કરવું મુશ્કેલ બન્યુ છે અને મોલાતોમાં જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહ્યો છે. સાથે મોલાત પીળી પડીને મુરજાઈ રહી છે. લીલીયા તાલુકામાં આજે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે નાવલી બજારમાં જાણે કે ઘોડાપૂર આવ્યું હતું અને તાલુકાના સાજણટીંબા, અંટાળીયા, લીલીયા સહિતના ગામોમાં અંદાજે ર થી ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો. નાવલી બજારમાં પાણી આવવાના કારણે અત્રે શાકભાજી વગેરે વેચતા વેપારીઓને ધંધો બંધ રાખવાની ફરજ પડી હતી. તેમજ અન્ય તાલુકાઓમાં જેવા કે, બગસરા પંથકના સાપર, સુડાવડ, લુંઘીયા અને ભાડેર જેવા ગામોમાં ૧ ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. ઉપરાંત વડીયા તાલુકાના વડીયા ગામ પાસે સુરવો નદી પર આવેલ ડેમ સાઈટ ઉપરવાસમાં વરસાદ થવાથી ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં જળાશયનું રુલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજા ૦.૦ર મી. ખોલવામાં આવ્યો હતો. જે બાદમાં વધારીને ૦.૧પ મી. ખોલવામાં આવ્યો છે. જેના કારણે નીચાણવાસના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા કંટ્રોલ રૂમમાંથી જાણ કરવામાં આવી છે.