અમરેલી જિલ્લામાં અપમૃત્યુની ત્રણ ઘટના બની હતી. અમરેલી શહેરમાં પાણીના ટાંકામાંથી દેગડી કાઢવા જતાં મહિલાનું ડૂબી જવાથી મોત થયું હતું. વડિયાના તોરી ગામે યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જ્યારે સાવરકુંડલામાં પુરુષે ઝેરી દવા પીતા મોત થયું હતું.પ્રથમ બનાવમાં અમરેલી શહેરમાં પાણી ભરવા જેવી સામાન્ય પ્રક્રિયા દરમિયાન એક અત્યંત કરુણ દુર્ઘટના ઘટી હતી. પાણીના ટાંકામાંથી વાસણ કાઢવા જતાં એક મહિલાનું ટાંકામાં પડી જવાથી ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. ભાસ્કરભાઈ શાંતિલાલ અધ્યારૂ એ જાહેર કર્યા મુજબ, તેમના પત્ની જાગૃતીબેન ભાસ્કરભાઈ અધ્યારૂ ઘરે પાણીના ટાંકામાંથી દેગડી વડે પાણી ભરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક હાથમાંથી દેગડી છટકીને ટાંકાના ઉંડા પાણીમાં પડી ગઈ હતી. આ દેગડીને બહાર કાઢવાનો તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ સંતુલન બગડતા તેઓ પોતે જ પાણીના ટાંકામાં ખાબક્યા હતા. ટાંકો ઉંડો હોવાને કારણે તેઓ બહાર નીકળી શક્યા નહોતા અને પાણીમાં ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં વડિયાના તોરી ગામે રહેતા ભીખુભાઇ નાથાભાઇ રાઠોડે જાહેર કર્યા મુજબ, નિકુંજભાઇ ભીખુભાઇ રાઠોડ (ઉ.વ.૨૮) ગળાફાંસો ખાઇ જતા મરણ પામ્યા હતા. ત્રીજા બનાવમાં સાવરકુંડલામાં રહેતા ઇમ્તીયાઝભાઇ ઇકબાલભાઇ સૈયદે જાહેર કર્યા મુજબ, ઇકબાલભાઇ મહમ્મદભાઇ સૈયદ (ઉ.વ.૫૬) પોતાની મેળે ઝેરી દવા પી જતા મરણ પામ્યા હતા.