અમરેલી જિલ્લામાં સવારના સમયે ધીમી ધારે પડી રહેલા વરસાદે બપોર બાદ અચાનક જ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને મોટા ભાગના વિસ્તારમાં બે કલાકમાં જ ૩ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપુર આવ્યું હતું અને જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. અમરેલી શહેરમાં બપોરે ૧ વાગ્યાથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને બે વાગ્યા થી ૪ વાગ્યા સુધી બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડયો હતો જેના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ઉપરવાસના ભારે વરસાદના કારણે ઠેબી નદીમાં ઘોડાપુર આવ્યું હતુ અને ઠેબી ડેમના ૧ર દરવાજા ૩ ફુટ સુધી ખોલવામાં આવતાં ચિતલ રોડથી કામનાથ મહાદેવ મંદિર સુધીના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચિતલ રોડ પર આવેલ ખોડિયાર મંદિર અડધુ ડુબી ગયું હતું. જયારે અન્ય સોસાયટીમાં પણ પાણી ઘરમાં ઘુસી ગયું હતું. જેસીંગપરા જવાના રસ્તે સ્વામિનારાયણ મંદિર પાસે નદીનું પાણી રોડ પર આવી જતાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. ઠેબી નદીમાં આવેલ પુરને જોવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. પોલીસ તંત્ર દ્વારા અઘટીત ઘટના ન બને તે માટે લોકોના ટોળાઓને હટાવાયા હતા. સમગ્ર સ્થિતિને પહોંચી વળવા માટે ફાયર ટીમ તેમજ પોલીસ ટીમ તૈયાર રહી હતી. વધુ વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને શહેરમાં શહેરમાં રહી શકાય તેવી જગ્યાઓ માટે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી હતી. અમરેલીના મોણપુર, ચિત્તલ સહિતના ગ્રામ્ય પંથકમાં અંદાજે દસેક ઈંચ વરસાદ પડતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો અને ખેતરમાં પાણી ફરી વળ્યા હતા.
બાબરા પંથકમાં બપોર બાદ સતત બે કલાક અનરાધાર વરસાદથી બાબરામાંથી પસાર થતી નદી કાળુભાર, ગાગડીયો નદીમાં પુરે પ્રકોપ સર્જ્યો હતો અને ખેતર જવા માટેના રસ્તાઓ બંધ થયા હતા. બીજી તરફ કરીયાણાના રસ્તા પર આવેલ અને સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતો રામપરી ડેમ આજે ઓવરફલો થયો હતો. બાબરાના વાંડળીયા, લુણકી, કરીયાણા, ચમારડી, મોટા દેવળીયા, કુંવરગઢ ગામડા તરફ જવાના રસ્તાઓ મોટા ભાગના કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં કલાકો સુધી વાહન વ્યવહાર બંધ રહ્યો હતો. કરીયાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ગુલ થયાની ફરીયાદો ઉઠવા પામી હતી. કોટડાપીઠા અને આજુબાજુના વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટીંગ કરતાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો જેના કારણે કોટડાપીઠાના ધોબીયારા તળાવમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ હતી.
લીલીયા શહેરમાં પડેલા સાડા ત્રણ ઈંચ વરસાદથી નાવલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને મેઈન બજારમાં વેપારીની દુકાનમાં પાણી ભરાયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. સાજણટીંબા અને અંટાળીયા વચ્ચે ગાગડીયો નદીમાં ભારે પુરના કારણે ચાર જગ્યાએ નાળા તુટી જવાથી અંટાળીયા-લાઠી વચ્ચેનો વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પોલીસે તુટેલા નાળા પર ચૂસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવી દીધો હતો.બગસરામાં બપોરના સમયે ગાજવીજ સાથે સવા ઈંચ જેવો વરસાદ નોંધાયો હતો. સમઢીયાળા, લુંઘીયા, ભાડેર, મોટા મુંજીયાસર ગામોમાં વરસાદ પડતાં સાતલડી નદીમાં પુર આવ્યું હતું જેના કારણે સાપર લુંઘીયા તરફ જવાનો રસ્તો બંધ થયો હોય પોલીસ દ્વારા સમય સુચકતા વાપરી આડી બેરેક રાખી દેવામાં આવી હતી. લાઠી શહેરમાં ધોધમાર વરસાદથી ગાગડીયો નદી પર આવેલ બેઠા પુલ પર પાણી ફરી વળ્યા હતા.જેથી વાહનવ્યવહાર બંધ થયો હતો.અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદી નાળા છલકાયા છે. સવારથી સતત વરસાદ ખાબકતા ટોડા ગામ પાસે આવેલ નાળા પર પાણી ફરી વળ્યા હતા. લાઠી હાઇવે પર આવેલા ટોડા ગામ પાસે પુલ પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાયો હતો.

ચિતલમાં એક મહિલા સહિત ત્રણનું રેસ્ક્યુ
ચિતલ ગ્રામ પંચાયત પાસે આવેલ વોશીંગઘાટમાં એક મહિલા હંસાબેન તથા બે પુરૂષ પાણીમાં ફસાયા હોવાની ગામના સરપંચ સુરેશભાઈ પાથરને જાણ થતાં તેઓએ તાત્કાલિક ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાને જાણ કરતાં અમરેલી ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ચીતલ પહોંચી હતી અને ત્રણેય વ્યકિતનો આબાદ બચાવ થયો હતો. સરપંચ સુરેશભાઈ પાથર, ધર્મેન્દ્રસિંહ સરવૈયા, મહોબતસિંહ બચ્ચન સ્થાનિક આગેવાનો  વિજયભાઈ દેસાઈ, રાજુભાઈ ધાનાણી, રઘુવિરસિંહ સરવૈયા સહિતના આગેવાનોએ ફાયર ટીમનો આભાર માન્યો હતો.