અમરેલી જિલ્લામાં વાહન અકસ્માતની ઘટનામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં અકસ્માતની વધુ બે ઘટના પોલીસ ચોપડે નોંધાઈ હતી. જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. રાજુલાના કથીવદરમાં રહેતા બાબુભાઈ રામભાઈ બાંભણીયા (ઉ.વ.૫૮)એ અર્ટિગા કાર નંબર જીજે-૨૧-સીડી-૩૭૨૦ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ ધીરૂભાઇ જેહાભાઇ અરડુ પોતાના હવાલાની મો.સા. રજી.નં.જીજે-૧૪ એકયુ ૯૬૨૩ લઇને કથીવદરથી મજાદર જતા હતા. આ સમયે મજાદર ગામના પાટીયા તરફથી વળીને ખોડીયાર માતાના મંદિર પાસે રોડ ઉપર આવતા પાછળથી એક અર્ટીગા કાર રજી.નં.જીજે-૨૧-સીડી-૩૭૨૦ ના ચાલકે પોતાના હવાલાની કાર પૂરઝડપે અને બેફિકરાઇથી માણસનું જીવન જોખમાય તે રીતે ચલાવી અથડાવી હતી અને તેમને શરીરે નાની-મોટી ઇજાઓ કરી નાસી ગયો હતો. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.ડી.વાળા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રહેતા જયેશભાઈ અમૃતલાલ દેવમુરારી (ઉ.વ.૩૬)એ ટ્રક નંબર જીજે-૧૪૧૧ ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મોટા આંકડીયાથી અમરેલી તરફ રોડ ઉપર આરોપીએ તેના હવાલાનો ટ્રક બેફામ ઝડપે ચલાવી તેમની અલ્ટો કારને ટક્કર મારી હતી. જેમાં તેમને માથામાં હેમરેજ સહિત અન્ય ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.