અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ અધિક્ષકની સૂચનાથી હાથ ધરવામાં આવેલ વિશેષ ડ્રાઈવ અંતર્ગત તસ્કરો અને પ્યાસીઓ પર પોલીસ તૂટી પડી છે. છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી પોલીસે કુલ ૨૨ પ્યાસીઓની અટકાયત કરી હતી, જ્યારે ૨૧ શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ અને બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ દરમિયાન જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ ૨૨ પ્યાસીઓ નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. જાહેરમાં નશો કરીને ફરતા આ શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, દેશી દારૂના દૂષણને ડામવા માટે પોલીસે બાતમીદારોના આધારે દરોડા પાડ્યા હતા. જેમાં કુલ ૨૧ ઈસમો દેશી દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપાઈ ગયા છે. પોલીસે આ ઈસમો પાસેથી દારૂનો જથ્થો કબજે કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ શરૂ કરી હતી.






































