સમગ્ર રાજ્યમાં આગામી તા.૧૯ને રવિવારના રોજ ૧૦ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. ત્યારે અમરેલી જિલ્લામાં પર૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. પરંતુ અમરેલી જિલ્લામાં ૯૮ ગ્રામ પંચાયત સમરસ જાહેર થતા હવે જિલ્લાની ૪ર૯ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યો વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે. અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ ૧૧ તાલુકાઓમાંથી સરપંચ પદ માટે ૧૦૯૬ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. તો સભ્યો માટે પ૮પ૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ગઈકાલે ફોર્મ ચકાસણીના સમયે સરપંચ માટે ૬ થી વધુ ફોર્મ રદ્દ થયા હતા. તો સભ્યો માટે ૭૦ થી વધુ ફોર્મ રદ્દ થયા હતા. જિલ્લાના રાજકીય આગેવાનો અને ગ્રામજનોની એકતાના કારણે પર૭ ગ્રામ પંચાયતોમાંથી ૯૮ ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે. જેમાં અમરેલી તાલુકામાંથી ૧૯, સાવરકુંડલા તાલુકામાંથી ૧૪, લાઠી તાલુકામાંથી ૭, બગસરા તાલુકામાંથી ૧, કુંકાવાવ-વડિયા તાલુકામાંથી ૩, જાફરાબાદ તાલુકામાંથી ૭, લીલીયા તાલુકામાંથી ૯, બાબરા તાલુકામાંથી ૧૧, ખાંભા તાલુકામાંથી પ, રાજુલા તાલુકામાંથી ૭ અને ધારી તાલુકામાંથી ૧પ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે.