અમરેલી જિલ્લાની ૯૪૧ શાળાઓમાં, જેમાં સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળાઓનો સમાવેશ થાય છે, તેમાં ૧૮થી ૨૦ જૂન, ૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બાલવાટિકામાં ૧૧,૪૮૩ બાળકો, ધોરણ ૧માં ૧૩,૪૩૯ બાળકો અને ધોરણ ૮માંથી ધોરણ ૯માં ૧૭,૯૧૮ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે. કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, વક્તવ્ય, પ્રેરક ઉદ્બોધન અને વૃક્ષારોપણ સહિતની પ્રવૃત્તિઓનો સમાવેશ થશે.