અમરેલી જિલ્લાની જનતા છેલ્લા એક દાયકાથી ઈકોઝોન સબંધિત જોગવાઈઓને કારણે બાંધકામમાં વપરાતી રેતી માટે ખુબ જ હાલાકી ભોગવી રહી છે. જિલ્લાની નદીઓના પટમાંથી રેતી ઉપાડવા અગાઉ સરકારના ખાણ-ખનીજ ખાતા દ્વારા લીઝ પ્રથા અમલમાં હતી. આ પ્રથા રદ્દ થવાથી હવે રેતીનું ગેરકાયદે ખનન થઈ રહ્યું છે. ખાણ ખનીજ ખાતા અને પોલીસ ખાતાની મીઠી નજર નીચે રેતીનું ખનન અવિરતપણે ચાલે છે, જેમાંથી સરકારને રોયલ્ટીની એક રૂપિયાની પણ આવક થતી નથી. રેતીના આ ગેરકાયદે ખનનમાં સરકારના સંબંધિત ખાતાના કર્મચારીઓ અને ખનીજ માફીયાઓ અઢળક રૂપિયા રળે છે. છેલ્લા ૧ દાયકામાં અમરેલી જિલ્લામાંથી થયેલ રેતી ચોરીનો આંકડો કરોડોમાં પહોંચે છે. અગાઉ ઈકોઝોનમાં આવતી નદીઓમાંથી રેતી લેવા સામે સ્ટે હતો જે ઘણાં વર્ષો પહેલાં હટી ગયેલ છે. આમ છતાં સરકારે રેતીની લીઝ પૂનર્જીવિત કરી નથી. સરવાળે સરકારને રેતીની રોયલ્ટીની આવક થતી નથી અને અમરેલીની જનતાને રેતીના ત્રણથી ચાર ગણા ભાવ આપવા પડે છે. આ સમસ્યાને લઈને ડો. ભરત કાનાબારે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ભૂપેન્દ્રભાઈએ ટુંક સમયમાં સબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી, આ સમસ્યાને ઉકેલવાની ખાતરી આપી હતી.