કોરોના મહામારીને બે વર્ષ જેટલો સમય થવા આવ્યો છે. કોરોનાના કેસોમાં હાલ તો ઘટાડો જાવા મળી રહ્યો છે પરંતુ જે સમયે કોરોના કાળમાં વેપારીઓએ મંદીનો સામનો કરવો પડ્યો હતો તેની અસર હજુ પણ અમરેલી જિલ્લાના વેપારીઓમાં દેખાઈ રહી છે.
હાલ ઈંધણના ભાવો કૂદકેને ભૂસકે વધી રહ્યાં છે જેના કારણે ટ્રાન્સપોર્ટેશન ભાડુ વધવા પામ્યું છે. ટ્રાન્સપોર્ટેશન ભાડુ વધતા તમામ આઈટમો મોંઘી બનવા પામી છે. છેલ્લાં બે વર્ષથી વેપારીઓ ભારે મંદીનો સામનો કરી રહ્યાં હતા પરંતુ કોરોનાનો કહેર ધીમે ધીમે ઓછો થતા વેપારમાં તેજી નિકળશે તેવી આશા વેપારીઓ સેવી રહ્યાં હતા પરંતુ આ આશા વેપારીઓ માટે ઠગારી નિવડી હતી. દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી હોવાથી અમરેલી સહિત તમામ શહેરોમાં વેપાર-ધંધામાં ઘરાકી નિકળશે તેવું લાગી રહ્યું હતું પરંતુ ફટાકડા બજાર, કાપડ બજાર સહિત વેપારમાં જોઈએ તેવી ઘરાકી હજુ નિકળી નથી.દિવાળીના તહેવાર પર બજારો ગ્રાહકોથી ઉભરાતી હોય છે ત્યારે જિલ્લાના અનેક શહેરોની બજારોમાં જાણે કાગડા ઉડતા હોય તેવો માહોલ જાવા મળી રહ્યો છે. આવા સમયે ભાડે દુકાન રાખી વેપાર કરતા દુકાનદારોની હાલત ભારે કફોડી જાવા મળી રહી છે. જા કે વેપાર-ધંધા પડી ભાંગવાનું કારણ ઓનલાઈન ખરીદીનો ક્રેઝ પણ જવાબદાર છે.
ઓનલાઈન ખરીદીને કારણે સ્થાનિક વેપારીઓ આર્થિક રીતે તુટતા જાય છે. આમ, દિવાળીનો તહેવાર નજીક હોવા છતાં જિલ્લાની બજારોમાં મંદીનો માહોલ દેખાતો હોવાથી વેપારીઓ ચિંતાતૂર દેખાઈ
રહ્યાં છે.