અમરેલી,તા.રર
સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં ધો.૧થી પના વર્ગો શરૂ કરવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવતા સરકારના આ નિર્ણયને વાલીઓએ પણ આવકાર્યો છે. જેથી આજરોજ જિલ્લાની ૭૬ર પ્રાથમિક શાળાઓમાં અંદાજે પ૦ હજાર કરતા વધુ બાળકોનું શિક્ષણકાર્ય રાબેતા મુજબ શરૂ થતા બાળકોની હાજરીથી શાળાઓ હવે ધમધમી રહી છે. બાળકો શાળાએ પહોંચતા જ શાળા સંચાલકો દ્વારા બાળકોના હાથ સેનિટાઈઝ કરી પુષ્પ અર્પણ કરી ચોકલેટ આપી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોમાં પણ શાળાએ જવાનો અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો હતો.