રાજયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતાની સાથે આચારસંહિતા હવે અમલી બની જવા પામી છે. જેના કારણે હવે સરકારી કામો પર બ્રેક લાગશે. રાજયમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આગામી મહિને ૧૦ હજાર કરતા વધારે ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. જેમાં અમરેલી જિલ્લાની પર૮ ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી યોજાવાની હોવાથી જિલ્લાનુ વહીવટી તંત્ર કામે લાગ્યુ છે. રાજય ચૂંટણી પંચે આજે જાહેરાત પણ કરી દીધી છે. જેમાં આગામી તા.૧૯ ડિસેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાન થશે અને તા.ર૧ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અમરેલી જિલ્લામાં પર૮ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે જયારે ૩૮ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. રાજય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીનો આખો કાર્યક્રમ જાહેર કરતાની સાથે જ વહીવટી તંત્ર, ચૂંટણી શાખાના કર્મચારીઓ કામે લાગી ગયા છે અને અમરેલી જિલ્લાની પર૮ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિથી પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ગ્રામ પંચાયતોમાં ૮ લાખ ગ્રામીણ મતદારો
અમરેલી જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંં ૭,૮૭,પ૦૯ મતદારો મતદાન કરશે જયારે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં ૧૧,૪પ૩ મતદારો મતદાન કરશે.

મતદાન બેલેટ પેપરથી કરાશે
સમગ્ર રાજય સહિત અમરેલી જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપરથી કરવામાં આવનાર છે. બેલેટ પેપરથી મતદાન થવાનુ હોવાથી મત ગણતરીમાં થોડો વિલંબ પણ થઈ શકે છે તેમજ મત રદ થવાની પણ વધારે શક્યતા રહે છે.

ગ્રામ પંચાયત ચૂંટણી કાર્યક્રમ
ચૂંટણીની જાહેરાત તારીખ: રર-૧૧-ર૧
જાહેરનામા પ્રસિધ્ધ કરવાની તારીખ:ર૯-૧૧-ર૧
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: ૦૪-૧ર-ર૧
ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તારીખ: ૦૬-૧ર-ર૧
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ: ૦૭-૧ર-ર૧
મતદાનની તારીખ તથા સમય: ૧૯-૧ર-ર૧(રવિવાર)(સવારના ૭ઃ૦૦ થી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી)
પુનઃ મતદાનની તારીખ(જરૂર જણાય તો):ર૦-૧ર-ર૧
મત ગણતરીની તારીખ:ર૧-૧ર-ર૧
ચૂંટણી પ્રક્રિયા પુરી થવાની તારીખ: ર૪-૧ર-ર૧